(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.૩
અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસ સ્ટેશન હવે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે શાપિત બની રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૩ પીએસઆઈ સસ્પેન્ડ કરવાની જિલ્લા પોલીસવડા મયુર પાટીલને ફરજ પડી છે. નવનિયુક્ત ડીવાયએસપી ભરત બસિયા અને જિલ્લા પોલીસે પોલીસતંત્રને નાકે દમ લાવી દેનાર ડોડીસરના માથાભારે બુટલેગર સુકા ઉર્ફે ભંવરલાલ ડુંડના ઘરે રેડ કરી મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. ફરાર બુટલેગર સુકાને ભિલોડા પોલીસે ઝડપી પાડ્યો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. શામળાજી પીએસઆઈ એચ.એસ પરમારે ૨૦૧૮ના વર્ષમાં સુકા વિરૂદ્ધ નોંધાયેલા ગુન્હામાં રિમાન્ડ ન માંગતા ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ ખાતાકીય ઇન્કવાયરી બાદ એસપી મયુર પાટીલે સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. શામળાજી પોલીસ સ્ટેશનનો ચાર્જ પીએસઆઈ સિસોદીયાને આપવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.