(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.૨૧
અરવલ્લી જિલ્લામાં ૩૬ કલાકમાં કોરોનાના ૧૮ કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. ગતરોજ મોડાસા તાલુકામાં ૪ કેસ કોરોનાના પોઝિટિવ આવ્યા બાદ ગુરૂવારે ધનસુરા-બાયડ તાલુકામાં કોરોના બૉમ્બ વિસ્ફોટ થતાં એક જ દિવસમાં ૬ લોકો કોરોનાગ્રસ્ત બનતા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ સંખ્યા ૧૦૧ થઇ ગઈ છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અરવલ્લી જિલ્લામાં નોંધાયા છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવા છતાં જિલ્લાના પ્રજાજનો બેફિકર જણાઈ રહ્યા છે. લોકડાઉન-૪મા મળેલી છૂટછાટમાં લોકો બજારોમાં મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટતા કીડિયારૂં ઊભરાયું હોય તેવા દૃશ્યો જિલ્લામાં સામાન્ય બનતા આગામી સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા મોટા પ્રમાણમાં બહાર આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. ધનસુરા-બાયડ તાલુકામાં ૨૪ કલાકમાં વધુ ૬ લોકો કોરોનામાં સપડાતા કોરોના બેકાબૂ બની રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાના ૧૦૧ પોઝિટિવ કેસમાંથી મોટાભાગના દર્દીઓ જિલ્લા અને રાજ્ય બહારથી આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ અને મુંબઈથી આવેલા લોકોમાં કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે. જિલ્લામાં સેમ્પલ લેવાની પ્રક્રિયા ઝડપી બનાવતાની સાથે જ જિલ્લામાં કોરોનાના દર્દીઓ સપડાયાં હોવાનું બહાર આવી રહ્યું છે. હજુ પણ અરવલ્લી જિલ્લામાં મહારાષ્ટ્ર અને રાજ્યના કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં ખાનગી વાહનોમાં પ્રવેશતા હોવાથી આગામી સમયમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ભયાવહ ચહેરો બહાર આવી શકે છે.