મોડાસા, તા.૯
અરવલ્લી જિલ્લામાં આજરોજ વધુ ૫ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો કુલ આંક ૨૬૦ પર પહોંચ્યો છે. મોડાસામાં કોરોનાએ ભરડો લીધો હોય તેમ મોડાસા શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. મોડાસા શહેરમાં કોરોનાથી વધુ એક મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મોડાસાના કોરોનાગ્રસ્ત અહેમદભાઈ ઈકબાલભાઈ મનવાનું અમદાવાદ સારવાર દરમિયાન મોત નિપજતા શહેરમાં કોરોનાથી મોતની સંખ્યા ૨૨ને પાર કરી ચૂકી છે. શહેરમાં છેલ્લા ૫ દિવસમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૫થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે.
આજ રોજ મોડાસાના રાણાસૈયદ વિસ્તારની ૫૦ વર્ષીય મહિલા, પાવનસિટીમાં ૪૨ વર્ષીય પુરૂષ અને મોડાસા તાલુકાના મડાસણા કંપાના ૫૪ વર્ષીય આધેડના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ધનસુરા તાલુકાના રાજપુર ગામના ૫૨ વર્ષીય આધેડ પણ કોરોનામાં સપડાતા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત્‌ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લા તેમજ મોડાસા શહેરમાં લોકલ સંક્રમણનો ભરડો વ્યાપક બન્યો છે. કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ભયનો માહોલ છવાયો છે. જો કે, શહેરના બજારોમાં જોઈએ તો બેખૌફ થઈને લોકો માસ્ક વગર કે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર જોવા મળી રહ્યા છે.