મોડાસા, તા.૧
અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે સતત વધી રહ્યું છે. ધીરે ધીરે બેંકના કર્મચારીઓ કોરોનામાં સપડાઈ રહ્યા છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને બેંકે ગ્રાહકોને નવા ફોર્મની જરૂરિયાત સાથે ફરીથી કેવાયસી અપડેટ કરવા શાખા પ્રબંધકને જમા કરાવવાના મેસેજ થી ગ્રાહકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ભિલોડા, ધનસુરાની બેંકના કર્મચારીઓ કોરોનામાં સપડાયા બાદ મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક સાથે ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવતા ટીંટોઈ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. ત્રણે કર્મચારીઓને હોમકોરન્ટાઇન કરી બ્રાન્ચને સૅનેટાઇઝ કરવાની સાથે બેંકનું કામકાજ સ્થગિત કરવામાં આવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કોરોનાના રોકેટ ગતિએ વધતા સંક્રમણ વચ્ચે બેંકના ગ્રાહકોને કેવાયસી જમા કરાવવા અને ગ્રાહકનું નવું ફોર્મ ભરવાના મેસેજ કરતા હાલ બેંકોમાં ભારે ભીડ ઉમટી રહી છે. કેવાયસી અપડેટ કરવા આવતા ગ્રાહકો અને બેંક કર્મચારીઓ પર કોરોના સંક્રમણનો ભય પેદા થયો છે. સ્ટેટ બેંકના મેસેજથી ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે મોડાસા સ્ટેટ બેંકના અધિકારીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે આ નિર્ણય ઉચ્ચકક્ષાએથી લેવામાં આવ્યો હોવાનું અને દરેક ગ્રાહક માટે ફોર્મ અને કેવાયસી અપડેટ કરાવવું ફરજીયાત હોવાનું જણાવ્યું હતું. કોરોના સંક્રમણ અંગે વાત કરતા અમે શું કરીએ ઉપરથી નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું હતું. બેંક કર્મચારીઓ બેંકિંગની કામગીરી દરમિયાન સતત કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે ઉચ્ચકક્ષાએથી ગ્રાહકો માટે કેવાયસી અને નવું ફોર્મ ભરાવવાની કામગીરી સુપર સ્પ્રેડર બની શકે છે. ટીંટોઈ એસબીઆઈ શાખાના ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય તંત્રએ ત્રણે કર્મચારીઓની સ્થિતિ સામાન્ય હોવાથી હોમકોરન્ટાઈન કરી દીધા છે. બેંકનું કામકાજ ચાર દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે ત્યારે ટીંટોઈ એસબીઆઈ શાખામાં છેલ્લા સપ્તાહ દરમિયાન બેંકની કામગીરી માટે મુલાકાત લેનાર લોકો અને વૃદ્ધોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આરોગ્ય તંત્રએ બેંક સૅનેટાઇઝ કરવાની સાથે બેંક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા તજવીજ હાથ ધરી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી.