(એજન્સી) નવી દિલ્હી, તા.૮
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત અચાનક બગડી છે. તેમને રવિવારથી જ સામાન્ય તાવ અને ગળામાં દુઃખાવાની ફરિયાદ હતી. હવે મંગળવારે મુખ્યમંત્રીનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રવિવાર બપોરથી જ અસ્વસ્થ અનુભવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, રવિવારે બપોર બાદથી જ તેમના ગળામાં દુઃખાવો અને સામાન્ય તાવની ફરિયાદ કરી હતી. ડૉક્ટરોની સલાહ અનુસાર મુખ્યમંત્રીનો મંગળવારે કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે. કેજરીવાલ હાલ આઈસોલેશનમાં જતા રહ્યા છે. બીજી તરફ રવિવારથી જ મુખ્યમંત્રીની તમામ બેઠકો રદ કરી દેવાઈ છે અને કોઈને મળવા દેવાતા નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ સવારે કેબિનેટની એક બેઠકમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ તેઓ કોઈ બેઠકમાં સામેલ થયા નથી. આપના ધારાસભ્ય રાઘવ ચડ્ડાએ જણાવ્યું કે, દિલ્હીમાં વાયરસ સામે લડવામાં પોતાના જીવને જોખમમાં મૂકનારા મુખ્યમંત્રી કોરોનાના ફ્રન્ટલાઈન વોરિયર છે.
રાઘવ ચડ્ડાએ જણાવ્યું કે, કેજરીવાલ ડાયાબિટિશના દર્દી છે અને આ મોટી ચિંતા છે. અમે બધા ચિંતિત છીએ પરંતુ કેજરીવાલ લડવૈયા છે. આ દરમિયાન તેઓ યોગ્ય રીતે ઊંઘ પણ લઈ શક્યા નથી. ચડ્ડાએ કહ્યું કે, લક્ષણો ગઈકાલથી જ દેખાયા હતા. ત્યારબાદથી તેઓ કોઈને રૂબરૂ મળ્યા નથી. છેલ્લા કેટલાક દિવસથી અનેક બેઠકો વીડિયો દ્વારા જ થઈ છે. પણ તેઓ પાર્ટીના સભ્યો, કેબિનેટ અને અમલદારો સાથે સીધા સંપર્કમાં આવ્યા હતા. આપના નેતાઓ અને અન્ય નેતાઓએ કેજરીવાલ માટે સાજા થવા અંગે ટિ્‌વટ કર્યા હતા. આપના ધારાસભ્ય જરનૈલસિંહે કહ્યું કે, અમારા પ્રિય કેજરીવાલને સામાન્ય તાવ છે અને ગઈકાલથી ગળામાં દુઃખાવો છે અને તેઓને ડૉક્ટરોએ આઈસોલેશનમાં જવાની સલાહ આપી છે. મંગળવારે સવારે ૯ વાગે તેમનો કોરોના વાયરસનો ટેસ્ટ કરાશે. તમારા સારા સ્વાસ્થ્ય માટે અમે બધા પ્રાર્થના કરીએ છીએ. રવિવારે બપોરે મુખ્યમંત્રીએ દિલ્હીના નિવાસીઓ માટે ડિજિટલ પત્રકાર પરિષદ સંબોધી હતી આ દરમિયાન તેઓ માસ્ક પહેર્યું હતું અને દિલ્હીના નિવાસીઓ માટે હોસ્પિટલમાં પથારી નોંધાવાની નવી નીતિની જાહેરાત કરી હતી. કોરોનાના દર્દીઓ અને શંકાસ્પદોને પથારી ના મળવાની ફરિયાદો વચ્ચે કેજરીવાલે જાહેરાત કરી હતી કે, કેટલીક ખાનગી હોસ્પિટલો માત્ર રાજધાનીના નિવાસીઓ માટે જ રિઝર્વ રહેશે. દિલ્હીની સરહદોને ફરીથી ખોલવામાં આવશે જેથી બીજા રાજ્યોના લોકો તેમના ગૃહનગરમાં જઈને સારવાર કરાવી શકે.