(એજન્સી) તા.૨૧
ધી ઓલ અરૂણાચલપ્રદેશ સ્ટુડન્ટ્‌સ યુનિયન (છછઁજીેં)એ ગુરૂવારે કહ્યું હતું કે, ચીન દ્વારા અહીં ગામ વસાવવાના સમાચારો પહેલાંથી જ મળી રહ્યા હતા. જો કે, તેમ છતાં આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું અને તેના સુસ્ત વલણને લીધે જ આ ગામ વસાવી શકાયું છે. ઓલ અરૂણાચલપ્રદેશ સ્ટુડન્ટ્‌સ યુનિયને હવે આ મામલે ગંભીર નોંધ લેતા અપર સુબાનસિરી જિલ્લામાં સ્થાપિત ચાઈનીઝ ગામ મામલે કેન્દ્રને જરૂરી કાર્યવાહી કરવા કહ્યું છે અને ચીનના વિસ્તારવાદી પગલાં વિશે તપાસ કરવાની પણ માંગ કરી છે. ચીનના ઉશ્કેરણીજનક પગલાને વખોડતાં ટોચના સ્ટુડન્ટ્‌સ સંગઠને કહ્યું કે, કેન્દ્ર સરકારનું સુસ્ત વલણ પણ આ મામલે જવાબદાર છે. કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પ્રતિબદ્ધતા દર્શાવાઈ નથી અને તેના પગલે જ ચીન આવા કૃત્યો કરવામાં સફળ રહ્યું છે, તે તેની વિસ્તારવાદી નીતિઓ પર કાયમ જ છે. આપસુના વડા હવા બગાંગે એક નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે, ચીનના અમારા રાજ્ય પરના દાવાને કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ છે. વિઝા ઈશ્યુ અને સિયાંગ નદીનો મામલો પણ વિવાદનું કેન્દ્ર છે. અમે આ સમસ્યાઓ અને મામલાઓને અનેકવાર ઊઠાવી ચૂક્યા છીએ છતાં તે અનિર્ણિત જ છે. બગાંગે વધુમાં કહ્યું કે, અરૂણાચલપ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને લોકોને ગર્વ પણ છે કે, તે ભારતીય છે. જો દેશ કહેશે તો અમારા યુવાનો દેશની પડખે ઊભા રહીને ગમે તેવા પડકારોને ઝીલવા તૈયાર છે. આપસુએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે, તેઓ આ મામલે ગંભીરતા દાખવે.