૧૯૫૯માં ચીનના PLA દ્વારા આસામ રાઈફલ્સ પોસ્ટ પર કબજો કર્યા બાદથી જ આ ક્ષેત્ર ચીનના નિયંત્રણમાં છે, સરહદ પાસેની આ ઘટનાને લોંગજુ તરીકે પણ ઓળખાય છે : ભારતીય સુરક્ષા સૂત્રો

(એજન્સી) નવી દિલ્હી, તા.૯
ચીને અરૂણાચલ નજીક એલએસી પાસે એક વિશાળ ૧૦૦ મકાનનું ગામ વસાવ્યું હોવાના અમેરિકી સૈન્ય રિપોર્ટ બહાર આવ્યા બાદ ભારતે પ્રતિક્રિયા આપી છે. અમેરિકી સુરક્ષા વિભાગે ચીન સાથે જોડાયેલા સૈન્ય અને સુરક્ષા વિકાસ પર અમેરિકી કોંગ્રેસને આપેલા તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે, આ ગામ તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર અને ભારતના અરૂણાચલપ્રદેશ વચ્ચે સ્થિત વિવાદિત પ્રદેશમાં આવ્યું છે. ભારતીય સુરક્ષા સંસ્થાનના સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, સીમાંત સુબનસિરી જિલ્લામાં વિવાદિત સરહદ પર સ્થિત આ ગામ ચીનના નિયંત્રણવાળા ક્ષેત્રમાં આવે છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર અને સત્તાવાર સમાચાર એજન્સી અનુસાર આ ગામ આ પ્રદેશ દશકોથી ચીનના નિયંત્રણ હેઠળ આવેલું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી ચીને આ ક્ષેત્રમાં પોતાની આર્મી પોસ્ટ જાળવી રાખી છે અને ઘણા ઓછા સમયમાં ચીન દ્વારા અહીં મોટા બાંધકામ કરી દેવામાં આવ્યા છે. ૧૯૫૯માં આસામ રાઈફલ્સ પોસ્ટ પર કબજો કર્યા બાદ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના કબજાવાળા ક્ષેત્રમાં ચીન દ્વારા ગામનું નિર્માણ કરવામાં આવ્યું છે જેને અરૂણાચલપ્રદેશમાં સરહદ સાથેની લોંગજુ ઘટનાના રૂપમાં જોવામાં આવે છે.
અમેરિકી સૈન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત-ચીન સરહદ પર ગામના નિર્માણ જેવા માળખાકીય બાંધકામને કારણે બંને પાડોશીઓ વચ્ચે તણાવનું કારણ બની રહ્યુંં છે. અમેરિકી રિપોર્ટમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, એલએસી નજીક તેના વધેલા માળખાકીય વિકાસ દ્વારા મડાગાંઠને વધુ ઉશ્કેરણીજનક બનાવવા માટે ચીને ભારત પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરાયો છે. બેઈજિંગે દલીલ કરી હતી કે, એલએસી પર પીએલએની તૈનાતી ભારત તરફથી ઉશ્કેરણીને કારણ થઈ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘પીઆરસી (પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના)ના અધિકારીઓએ સત્તાવાર નિવેદનો અને મીડિયાના માધ્યમથી ભારત પર અમેરિકાનું એકમાત્ર સાધન હોવાનો આરોપ લગાવતાં ઘર્ષણ અને તે પછીના સમયગાળા દરમિયાન અમેરિકા સાથેના સંબંધોને વધુ ગાઢ બનતા અટકાવવા માટે અસફળ પ્રયાસ કર્યો હતો.’