નવી દિલ્હી,તા.ર૪
પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના નિધનથી રાજકીય વર્તુળોની સાથે સાથે ક્રિકેટ જગતમાં પણ ઘણું દુઃખ જોવા મળી રહ્યું છે. દિલ્હી ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે જેટલીએ ઘણા સમય સુધી કામ કર્યું. દિલ્હીથી ઘરેલુ ક્રિકેટ રમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સફર કરનારા અનેક ક્રિકેટરોએ જેટલીના નિધન પર દુઃખ વ્યકત કર્યું છે. સેહવાગે ટવીટ કરીને કહ્યું કે અરૂણ જેટલીના નિધનથી ઘણુ દુઃખ થયું છે. સામાજિક જીવનમાં મોટી સેવાઓ આપવા ઉપરાંત તેમણે દિલ્હીના અનેક ક્રિકેટરોને ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી. એક એવો સમય પણ હતો. જયારે દિલ્હીમાંથી ઘણા ઓછા ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં રમવાની તક મળતી હતી. સેહવાગે કહ્યું કે પણ ડીડીસીએમાં તેમના નેતૃત્વમાં મારા સહિત અનેક ખેલાડીઓને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. શિખર ધવને પણ જેટલીના નિધન પર દુઃખ વ્યકત કર્યું છે. તેણે ટવીટ કરીને જેટલીના પરિવારજનો પ્રતિ દુઃખ વ્યકત કર્યું છે. ગૌત્તમ ગંભીરે કહ્યું કે પિતા તમને ચાલતા શીખવાડે છે. પણ પિતા સમાન વ્યકિત તમને આગળ વધવાનું શીખવાડે છે. મારા પિતા સમાન જેટલીજીની સાથે મારો એક હિસ્સો જતો રહ્યો. ગંભીરે તેમના નિધન પર શોક વ્યકત કર્યો છે.