(એજન્સી) તા.૧૯
નાણામંત્રી અરૂણ જેટલીએ રવિવારે સઉદી અરબના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ-સઉદ સાથે રિયાધમાં મુલાકાત કરી હતી. જેટલીએ ટ્‌વીટર પર આ વિશે માહિતી આપી હતી. તેમણે ટિ્‌વટ કર્યું હતું કે “સઉદી અરબના હિઝ રોયલ હાઈનેસ રાજા સાથે મુલાકાત ફેબ્રુઆરી ૧૮, ર૦૧૮”. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિ-પક્ષીય સંબંધોની ચર્ચા કરવામાં આવી અને ભવિષ્યમાં આ સંબંધોને કઈ રીતે મજબૂત કરી શકાય તે અંગે પણ વિચારણા થઈ. જેટલી કે જે સત્તાવાર રીતે સઉદી અરબની બે દિવસની મુલાકાતે છે તે ૧૮ અને ૧૯ ફેબ્રુઆરીએ યોજાનારી ઈન્ડિયા-સઉદી અરેબિયા જોઈન્ટ કમિશન મીટિંગમાં પણ ભાગ લેશે. ઈન્ડિયા-સઉદી અરેબિયા જોઈન્ટ કમિશનની ૧રમી બેઠક રિયાધ ખાતે યોજાશે. જેટલી અને સઉદી અરબના નાણામંત્રી સાથે મળીને સઉદી ઈન્ડિયન બિઝનેસ કાઉન્સિલનો ઉદ્‌ઘાટન કરશે. તેઓ સઉદી અરબના રાષ્ટ્રીય વારસા અને સાંસ્કૃતિક ઉત્સવમાં ઈન્ડિયન પેવેલિયનની પણ મુલાકાત લેશે. સોમવારે જેટલી સઉદી અરબના ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ મંત્રી ડો.મજીદ અલ-કસાબીને મળી દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા કરશે. તેઓ સોમવારે સાંજે ભારત પરત આવશે.