(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૨
કોંગ્રેસે ગુરૂવારે કહ્યું હતું કે, દેશનું અર્થતંત્ર કોરોના વાયરસથી પીડાઈ રહ્યું છે અને વડાપ્રધાન મોદીએ દેશની કથળતી જતી અર્થવ્યવસ્થા અંગે સંસદમાં વિસ્તૃત નિવેદન આપવું જોઈએ. વિપક્ષી પાર્ટીએ આ પણ આક્ષેપ કર્યો હતો કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બચત ખાતા અને ફિક્સ ડિપોઝીટમાં વ્યાજદર ઘટાડી રહી છે. જેની પાછળનો ઉદ્દેશ યસ બેંકને બચાવવાનો છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્રોની લોનો ડિફોલ્ટ થવાથી મુશ્કેલીમાં મૂકાઈ છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, સેનસેક્સમાં ર૭૦૦ પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો છે. જેના કારણે રોકાણકારોને ૧૮ લાખ કરોડનું નુકસાન થયું છે. તેમણે કહ્યું હતું કે, “છેલ્લા ૭ર કલાકમાં નાના અને મધ્યમ રોકાણકારોએ રૂા.૧૮ લાખ કરોડ ગુમાવ્યા છે. આ પૈસા મોટાભાગે નોકરિયાત વર્ગ અને નાના રોકાણકારોના હતા. સુરજેવાલાએ કહ્યું હતું કે, “અર્થતંત્ર કોરોના વાયરસથી પીડાઈ રહ્યું છે, પરંતુ વડાપ્રધાન મોદી અને નાણામંત્રી નિર્મલા સિતારમણે મૌન ધારણ કર્યું છે. વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા સુરજેવાલાએ ટિ્‌વટ કર્યું હતું કે, “વડાપ્રધાન મોદીને અભિનંદન, ૧ ડોલર સામે રૂપિયાનો ભાવ રૂા.૭પ.૧૬ થઈ ગયો છે. રૂપિયો હવે “માર્ગદર્શક મંડળ”માં જોડાઈ ગયો છે. નોંધનીય છે કે, ભાજપે ૭પ વર્ષ વટાવી ચૂકેલા તેના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષીને સક્રિય રાજકરણથી દૂર માર્ગદર્શક મંડળમાં મૂકી દીધા હતા.