(એજન્સી) તા.૧૬
દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન થાય તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનના બાદ તદ્દન ઠપ થઇ ગયેલું દેશનું અર્થતંત્ર હવે વિકાસના માર્ગે ગતિ પકડી રહ્યું છે અને તે ફરીથી બેઠું થવાના યોગ્ય માર્ગે આગળ વધી રહ્યું છે.
અનલોક-૧ શરૂ થયાના બે સપ્તાહ પસાર થઇ ગયા છે. આ સમય દરમ્યાન આપણને જે અનુભવ મળ્યો છએ તેનાથી ભવિષ્યમાં ઘણો લાભ થઇ શકે છે આજે હું તમારી પાસેથી વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે જાણવા માંગુ છું. ભવિષ્યની વ્યૂહરચના ઘડવામાં તમારા સૂચનો ઘણાં જ ઉપયોગી થઇ પડશે એમ વડાપ્રધા મોદીએ કહ્યું હતું. ભારતમાં કોવિડ-૧૯ની બિમારીનો ભોગ બનેલા લોકોનો સાજા થવાનો દર ૫૦ ટકા ઉપર પહોંચી ગયો છે, એમ કહીને તેમણએ એ વાતનો આડકતરો ઇશારો કર્યો હતો કે હવે એક્ટિવ કેસોની તુલનાએ સાજાં થઇ ગયેલા લોકોની સંખ્યા વધી રહી છે.
ભવિષ્યમાં જ્યારે પણ કોરોના વાઇરસ સામે ભારતે ખેલેલા જંગની વાત કરવામાં આવશે ત્યારે આ સમયને પણ જરૂર યાદ કરવામાં આવશે કેમ કે આપણે સૌએ આ સમય દરમ્યાન ભેગા મળીને કામ કર્યું હતું અને એક સહકારી સંઘીય વ્યવસ્થાનું શ્રેષ્ઠ દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું એમ મોદીએ કહ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે જેટલી ઝડપે અને જેટલી હદે આપણે કોરોના વાઇરસના સંક્રમણને રોકીશું એટલી જ ઝડપે અને એટલી જ હદે આપણું અર્થતંત્ર ખુલ્લું થતું જશે, આપણી ઓફિસો, માર્કેટ અને પરિવહનના સાધનો પણ એટલી જ ઝડપે ખુલ્લાં થતા જશે, તદઉપરાંત એટલી જ ઝડપે આપણી આવકના સ્ત્રોત પણ ખુલ્લાં થતાં જશે. આજે નાની નાની ફેક્ટરીઓને માર્ગદર્શનની જરૂર છે, તેમનો હાથ પકડવાની જરૂર છે. હું જાણું છું કે તમારા (મુખ્યમંત્રીઓના) નીરિક્ષણ હેઠળ આ દિશામાં ઘણું કામ થઇ રહ્યું છે તેથી વેપાર-ઉદ્યોગ તેઓની જૂની ગતિ અને વેગ પકડી લેશે, તેમ છતાં આપણે મૂલ્યોની આખી શ્રૃંખલા ઉપર હજુ કામ કરવું પડશે એમ મોદીએ તેમના ઉદઘાટન પ્રવચનમાં કહ્યું હતું.