(એજન્સી) મુંબઈ, તા.૪
રિપબ્લિક ટીવીના માલિક અને મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામીની ધરપકડના પગલે ભાજપ દ્વારા કોંગ્રેસની ઉગ્ર આલોચના કરતા કોંગ્રેસે ભાજપ પર વળતો પ્રહાર કરી કહ્યું છે કે ભાજપનો આક્રોશ માત્ર પસંદગીયુક્ત અને અનિચ્છનીય છે.
કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનાથે પત્રકારોને સંબોધન કરતા કહ્યું કે, “ અમને ભાજપ અને સરકારની પસંદગીયુક્ત પ્રતિક્રિયાથી આંચકો વાગ્યો છે. અર્નબે પત્રકારિતાની છબી બગાડી છે અને એ ફક્ત ભાજપની તરફે અને એમના એજન્ડાને જ આગળ વધારવાનું કાર્ય કરે છે. બધા વ્યક્તિઓને અપશબ્દો કહી આક્ષેપો મૂકે છે એ કયા પ્રકારની પત્રકારિતા કરી રહ્યો છે ?
એમણે વધુમાં કહ્યું કે જયારે અન્ય સ્વતંત્ર પત્રકારો સામે ફરિયાદો અને કેસો દાખલ થયા ત્યારે ભાજપ ચુપ રહી હતી. એમણે પત્રકાર પ્રશાંત કનોજિયા અને સુપ્રિયા શર્માના દાખલાઓ આપ્યા હતા જેમની યુપી સરકારે ટ્‌વીટ બદલ અટક કરી હતી. કોંગ્રેસે કહ્યું કે જો કોઈ વ્યક્તિ નિર્દોષ હશે તો એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે અન્યથા કાયદો પોતાનું કાર્ય કરશે. ભાજપાએ કોંગ્રેસ પર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ કટોકટી પાછી લાવી છે. ભાજપ અધ્યક્ષ અને મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું પણ કોંગ્રેસે એમના નિવેદનને રદ્દ કરતા કહ્યું હતું કે ભાજપને મીડિયાની સ્વતંત્રતા માટે છેલ્લે બોલવું જોઈએ જે રીતે એ પોતે મીડિયાને ધમકીઓ અને ભય બતાવી નિયંત્રણમાં રાખી રહી છે એ શરમજનક છે.
મહારાષ્ટ્ર પોલીસના રાયગઢ એકમે બુધવારે સવારે ગોસ્વામીના ઘરે દોરોડો પાડી એમની ધરપકડ કરી હતી. એમની ધરપકડ ૨૦૧૮ના વર્ષમાં બનેલ ઘટના સંદર્ભે કરી છે જે ઘટનામાં એમની સામે આત્મહત્યા માટે મદદગારીનો આક્ષેપ છે. જો કે આ કેસ પહેલા બંધ કરી દેવાયો હતો પણ ફરીથી ખોલવામાં આવ્યું હતું.
એમની ધરપકડ ખૂબ જ ખરાબ રીતે કરાઈ હતી. એક રીઢા ગુનેગારની જેમ એમને વાળથી પકડ્યું હતું અને પાણી પણ પીવા નહિ આપ્યો હતો.