(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
અર્નબ ગોસ્વામીની ચેનલ રિપબ્લિક ટીવીએ નવ જાન્યુઆરીની રાત્રે એક લાઈવ પ્રસારણ દરમ્યાન એક અન્ય ચેનલના રિપોર્ટરને ગુંડા તરીકે દર્શાવતા ભારે હોબાળો થયો હતોે. આ રિપોર્ટરની પત્નીએ અર્નબ પર પસ્તાળ પાડી હતી અને તેમને ધિક્કારપાત્ર વ્યક્તિ ગણાવી હતી. જો કે આ મામલે વિવાદ વધતા તેમજ સોશિયલ મીડિયા પર પણ અર્નબની ટીકા થતાં તેમને સમગ્ર મામલે માફી માંગવાની ફરજ પડી હતી જેથી બદનક્ષીના કેસથી બચી શકાય. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દલિત નેતા તથા ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન અર્નબની ચેનલની એક મહિલા પત્રકારે આરોપ લગાવ્યો હતો કે, તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે. તેને ધમકાવવામાં આવી છે અને આપત્તિજનક કોમેન્ટ પણ કરવામાં આવી છે. આ ઘટનાના રિપોર્ટને તોડીમરોડી અર્નબે એવી રીતે દર્શાવ્યો કે, જિગ્નેશનો ખરો ચહેરો સામે આવી ગયો છે. જિગ્નેશના ગુંડાઓએ અમારી મહિલા પત્રકાર સાથે ગેરવર્તન કર્યું. આ મામલે નવમી રાત્રે અર્નબે એક ચર્ચાનું પણ આયોજન કર્યું હતું. આ ડિબેટમાં અર્નબે ઘણા પુરૂષોની તસવીરો બતાવી અને તે તમામને ગુંડા ગણાવ્યા હતા. આ તસવીરોમાં અર્નબે કવરેજ માટે આવેલા અન્ય પત્રકારોને પણ ગુંડા ઠેરવી દીધા. જેમાં ઘણા વરિષ્ઠ અને જાણીતા પત્રકારો હતા. આ પત્રકારોએ જણાવ્યું હતું કે, તેઓ ત્યાં એક સામાન્ય નાગરિકની જેમ ઊભા હતા અને પોતાનું કામ કરી રહ્યા હતા.
આ ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતાં અર્નબની ભારે ટીકા થઈ હતી અને તેમની માટે ઘણા નિમ્ન શબ્દો બોલાયા હતા.