બીએઆરસીનો પૂર્વ સીઇઓ દાસગુપ્તા અર્નબ સાથે અનેકવાર મુલાકાત કરી ચૂક્યો છે અને નાણા ઉપરાંત ભેટસોગાદો લઇ ચૂક્યો છે, રિપબ્લિકની ઇંગ્લીશ અને હિંદી ચેનલોની ટીઆરપી વધારવા માટે ગુપ્તા અર્નબના ઈશારે મોટી ગરબડ કરતો હતો

(એજન્સી) મુંબઇ, તા. ૨૯
ટીઆરપી કૌભાંડ કેસમાં મુંબઇ પોલીસે સોમવારે કોર્ટમાં રિમાન્ડ રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે, રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ(બીએઆરસી)ના પૂર્વ સીઇઓ પાર્થ દાસગુપ્તાને બે ચેનલોની ટીઆરપી વધારવા માટે લાખો રૂપિયા ચૂકવ્યા હતા. પોલીસે રિપોર્ટમાં જણાવ્યું છે કે, વધારે નાણા કમાવવા માટે વ્યૂઅરશીપ અને ડેટામાં ગરબજ કરવાનો દાસગુપ્તા માસ્ટરમાઇન્ડ છે. પોલીસે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટને જણાવ્યું હતું કે, જ્યારે દાસગુપ્તા બીએઆરસીના સીઇઓ હતા ત્યારે અર્નબ ગોસ્વામી અને અન્ય આરોપીઓએ ગેરરીતિથી ટીઆરપી વધારવાનું ષડયંત્ર રચ્યું હતું. તેમણ રિપબ્લિક ભારત, હિંદી ન્યૂઝ ચેનલ અને રિપબ્લિક ઇંગ્લીશ ચેનલની ટીઆરપી વધારવા માટેના પ્રયાસ કર્યા હતા. ગોસ્વામીએ આ દરમિયાન અનેક લાખો રૂપિયા દાસગુપ્તાને આપ્યા હતા જે તપાસમાં સામે આવ્યું છે. પોલીસે દાસગુપ્તાને પાછલા અઠવાડિયે પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસે પ્રથમવાર ટીઆરપી કૌભાંડમાં અર્નબ ગોસ્વામીના નામનો ઉલ્લેખ કર્યો છે. સોમવારે ગોસ્વામીએ કોઇ ટિપ્પણી આપી ન હતી. જોકે, રિમાન્ડ રિપોર્ટમાં રિપબ્લિક ઓનર્સ લખવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર દાસગુપ્તાએ આ નાણાનો ઉપયોગ જ્વેલરી અને અન્ય કિમતી સામાન ખરીદવામાં કર્યો છે જે તેના ઘરમાંથી મળી આવ્યા છે. પોલીસે કહ્યું કે, આ ખરીદીમાં એક લાખની ઘડિયાળ, જ્વેલરી અને કેટલાક રત્ન સામેલ છે જેમનેે જપ્ત કરાયા છે. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સચિન વાજેએ જણાવ્યું હતું કે, દાસગુપ્તાની પૂછપરછમાં તેણે કહ્યું છે કે, તે ઓછામાં ઓછું ત્રણ-ચાર વખત અર્નબ ગોસ્વામીને મળ્યો હતો. આ મુલાકાત અલગ-અલગ હોટેલોમાં થઇ હતી. તેમણે કહ્યું કે, દાસગુપ્તા અને અર્નબ ગોસ્વામી ટાઇમ્સ નાઉમાં સાથે કામ કરી ચૂક્યા છે. અર્નબે એક વખત અમેરિકી ડોલરમાં પણ ચૂકવણી કરી છે. વાજેએ કહ્યું કે, ચાલુ મહિનાની શરૂઆતમાં જ દાસગુપ્તા અને રોમિલ રામગઢિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે, બીએઆરસીના કેટલાક પૂર્વ કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હતા.
પોલીસે કહ્યું છે કે, થર્ડ પાર્ટી ઓડિટ રિપોર્ટ મળ્યા બાદ આ ધરપકડો કરાઇ છે. પોલીસ અનુસાર આ વર્ષે જુલાઇમાં બાર્કને ઓડિટ રિપોર્ટ સોંપાયો હતો. જેમાં કહેવાયું હતું કે, ટાઇમ્સ નાઉની રેટિંગને ઘટાડી દેવાઇ હતી જેથી રિપબ્લિક ટીવીની રેટિંગ વધી શકે. આ કેસમાં બાર્કના કેટલાક કર્મચારીઓ પણ મળેલા હોઇ શકે છે. ઓક્ટોબરમાં મુંબઇ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી જેમાં રિપબ્લિક ટીવી, બોક્સ સિનેમાઝ અને ફેક્ટ મરાઠી ચેનલો પર આરોપો લગાવાયા હતા.