(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
ન્યૂઝ ૧૮ ઈન્ડિયાના અમિષ દેવગણને અવાર-નવાર સત્તાધારી પક્ષ ભાજપની ખુશામતખોરી કરવા બદલ સોશિયલ મીડિયા પર રોષનો સામનો કરવો પડે છે. આ અગાઉ દેવગણને તેની ટીવી ચેનલ પર લાઈવ ડિબેટ દરમિયાન કોંગ્રેસના એક પ્રવક્તાએ “ન્યૂઝ ટ્રેડર” અને “દલાલ” કહ્યા હતા. ત્યારબાદ દેવગણને ટીકાકારો દ્વારા “અર્નબ ગોસ્વામીના સસ્તુ સંસ્કરણ”, “ગરીબોના અર્નબ ગોસ્વામી” અથવા તો કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ગાંધીએ તેમને કહેલા અર્થહિન શબ્દોથી સંબોધવામાં આવે છે. વર્તમાન સમયમાં આ ટીવી એન્કરને કોમેડિયન કુણાલ કામરા દ્વારા સતત કરવામાં આવી રહેલા પ્રહારોનો સામનો કરવો પડી રહ્યો છે. કામરાએ દેવગણની ગંભીર મજાક ઊડાવતી મેજસની શ્રેણી તૈયાર કરી છે. કેટલાક પત્રકારો, સોશિયલ મીડિયા યુઝર્સ અને કામરા સહિતના ઘણા લોકો અવાર-નવાર દેવગણની ટીકા કરે છે. જેને કારણે પરેશાન થયેલા દેવગણે ટિ્‌વટરને વિનંતી કરી છે કે, આ માઈક્રો બ્લોગિંગ સાઈટ પર કોમેડિયન કામરા પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ સિવાય કોમેડિયન કામરાએ ઝી ન્યૂઝના એન્કર સુધિર ચૌધરીની સરખામણી કૂતરા અને સાપ સાથે કરી તેના પર આકરા પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપાની વારંવાર ખુશામત કરનારા ટીવી એન્કર અમિષ દેવગણ પર અવાર-નવાર સોશિયલ મીડિયાના યુઝર્સ દ્વારા ટીકા-ટિપ્પણીઓ કરવામાં આવે છે.