(એજન્સી) તા.૨૩
ટીઆરપી કૌભાંડમાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના ભાગરુપે રજૂ કરાયેલ વિવાદાસ્પદ વોટ્‌સએપ ચેટમાં વિધિવત તપાસ માટે વધતી જતી માગણી પ્રત્યે સરકારે હજુ કોઇ પ્રતિસાદ આપ્યો નથી. પરંતુ રાડિયા ટેપની જેમ આ ચેટમાં ગહન તપાસ થવી જરુરી છે કારણ કે આ વોટ્‌સએપ ચેટ દ્વારા બિઝનેસ, રેગ્યુલેટર્સ અને સરકાર વચ્ચે સાંઠગાંઠનો પર્દાફાશ થયો છે. આ ચેટ દ્વારા લશ્કરી રહસ્યો અને ઓપરેશનની લગતી વિગતો લીક થવી, બાલાકોટ એર સ્ટ્રાઇક, જજને ખરીદવાની વાત અને ટીઆરપીમાં કાવાદાવા કરવાના મુદ્દા પર કેટલાક પ્રતિકૂળ સવાલો પણ ઊભા થયાં છે. એટલે સુધી કે જેમને સ્વતંત્ર માનવામાં આવે છે એ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) પણ તેમાંથી છટકી સખે તેમ નથી. ગૃહ પ્રધાન અને પીએમઓ ટ્રાઇ અને ગૌસ્વામીની હરીફ ચેનલોનું કાંડું આમળવાની વિરુદ્ધ ન હતાં એવો પણ ચેટ પરથી નિર્દેશ મળે છે. જજને ખરીદવાનો જે ઉલ્લેખ છે તે દેખીતી રીતે અદાલતની અવમાનના સમાન છે અને તેથી જોવાનું છે કે સુપ્રીમ કોર્ટ, કાયદાના વિદ્યાર્થીઓ અને એટર્ની જનરલ જે રીતે કાર્ટૂનિસ્ટ, પત્રકારો અને સ્ટેન્ડઅપ કોમીકના કેસમાં તીવ્ર પ્રતિક્રિયા આપે છે એ રીતે આ કેસમાં કેટલી હદે પ્રતિક્રિયા આપે છે તે જોવાનું છે. અર્નબ ગૌસ્વામીની ચેટ એન્કર અને બિઝનેસમેન કરતાં સરકારને વધુ ઉઘાડી પાડે છે. રીપબ્લિક ટીવીના માલિક અર્નબ ગૌસ્વામી અને પૂર્વ બીએઆરસી પાર્થો દાસગુપ્તા વચ્ચેની આ સનસનીખેજ ચેટ્‌સ મીડિયા સરકાર અને રેગ્યુલેટર્સની કેટલીક કદરુપી અને વરવી બાબતો ઉઘાડી પાડે છે. પૂર્વ સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોનીએ મિલિટરી સિક્રેટનો ભંગ થવાનો મુદ્દો ઉઠાવ્યો છે. વર્ધિધારી કોઇ પણ વ્યક્તિએ બાલાકોટ ખાતે એર સ્ટ્રાઇકની સંવેદનશીલ વિગતો લીક કરી ન હોય. તેમણે જણાવ્યું હતું કે આવી વિગતો તમામ કેબિનેટ પ્રધાનો સાથે પણ શેર કરવામાં આવતી નથી. માત્ર ૩ કે ૪ કેબિનેટ પ્રધાનો , રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ૩ કે ૪ બ્યુરોક્રેટ્‌સ જ જાણતા હોય છે. આમાંના કોઇ સિવિલિયને એરસ્ટ્રાઇકના ત્રણ દિવસ પૂર્વે અર્નબ ગૌસ્વામીને મિલિટરી સિક્રેટ લીક કર્યા હોવાની શંકા છે. તેમણે જણાવ્યું હતું કે આ દેશદ્રોહી કૃત્ય છે અને અપરાધીઓને કડક સજા થવી જોઇએ.
(સૌ. : નેશનલ હેરાલ્ડ)