(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૭
ભાજપ સરકારની અને ભાજપના નેતાઓની વાહ-વાહી કરતા રિપબ્લિકન ચેનલના હેડ અર્નબ ગોસ્વામીની મુંબઈ પોલીસે કરેલી ધરપકડ બાદ ભાજપના નેતાઓ બોખલાઈ ગયા છે અને કોંગ્રેસના જોડાણવાળી સરકાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારી રહી હોવાની વાતો કરી રહ્યા છે.તે અંગે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ભાજપના નેતાઓને વળતો જવાબ આપતા જણાવ્યું છે કે ભાજપની સરકારે મારા પર ૩૨ કેસ કર્યા ત્યારે અભિવ્યક્તિની સ્વતંત્રતા ક્યાં ગઈ હતી ? અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરતા ભાજપના નેતાઓએ ધરપકડનો ભારે વિરોધ કર્યો છે અને આ ધરપકડને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવા સમાન ગણાવી છે. આ અંગે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ભાજપ સરકારને સોંસરવો સવાલ કરતા જણાવ્યું છે કે બિન ભાજપ શાસનવાળા રાજ્યમાં જ્યારે પોતાના પર આવે છે ત્યારે અભિવ્યક્તિની સ્વતંત્રતા યાદ આવે છે. જ્યાં ભાજપનું શાસન છે ત્યાં મારા જેવા યુવાનો સાથે જે થઇ રહ્યુ છે તેની પર એક શબ્દ પણ નથી બોલતા, કેમ બીક લાગે છે? ભેદભાવ તો તમે લોકો કરો છો અને મારા જેવા નિર્દોષ લોકોને ભોગવવું પડે છે. બીજા એક ટિ્‌વટમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું છે કે તમે કઈ અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાતો કરો છો ,? ગુજરાતમાં મેં જ્યારે શાસકો પાસે અધિકાર માંગ્યા તો મારી પર ૩૨ ખોટા આરોપ લગાવ્યા, ગુજરાતના મહેસાણા જિલ્લામાં મને પ્રવેશ નથી આપતા, ગુજરાત બહાર નથી જવા દેતા, શું આ બદલાની ભાવના નથી,? મારી અભિવ્યક્તિની સ્વતંત્રતાનુ શું ?