(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
રિપબ્લિક ટીવીના સ્થાપક અર્નબ ગોસ્વામીએ સનસનાટીપૂર્ણ આરોપ મુક્યો છે કે, તેઓ રાત્રે પોતાની પત્ની સાથે કામના સ્થળેથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે બે કોંગ્રેસના સમર્થકો દ્વારા તેમના પર હુમલો કરાયો હતો. એક નાના વીડિયોમાં રિપબ્લિક ટીવીએ કહ્યું છે કે, સોનિયા ગાંધી પર કરાયેલી ટીપ્પણી બાદ આવા હુમલાથી ગોસ્વામી ભયભીત થવાના નથી. ગોસ્વામીનો આ આરોપ ત્યારે સામે આવ્યો છે જ્યારે છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. મહારાષ્ટ્રના મંત્રીને ટાંકતા કહેવાયું છે કે, કોમવાદી નફરત ફેલાવવા માટે ગોસ્વામી સામે ફરિયાદ દાખલ કરવાના કાયદાકીય વિકલ્પ અંગે વિચારી રહી છે. બાદમાં ગોસ્વામી અને તેની પત્ની પોલીસ સ્ટેશન જઇને હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જેમના માટે કહેવાયું કે તેમને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોકલ્યા હતા. આ કથિત ઘટનામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના વિજળી મંત્રી નીતિન રાઉત દ્વારા વિવાદાસ્પદ ન્યૂઝ એન્કર વિરૂદ્ધ નાગપુરમાં ફરિયાદ દાખલ કર્યા બાદ ગોસ્વામીએ આ સનસનાટીપૂર્ણ આરોપ મુક્યા છે. પોલીસ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં કોમી રમખાણો અને ધર્મ કે વંશના આધારે બે જૂથો વચ્ચે દુશ્મનીની ઉશ્કેરણી કરવાનો આરોપ મુકાયો છે ઉપરાંત આઇપીસીની કલમો અંતર્ગત કોઇના ધર્મ અથવા ધાર્મિક માન્યતામાં કોઇ વર્ગ દ્વારા બદનામ કરવાના ઇરાદે ધાર્મિક ભાવના ભડકાવવાનું જાણીજોઇને અને દ્વેષપૂર્ણ રીતે કૃત્ય કરવાનો આરોપ લગાવાયો છે. મહારાષ્ટ્રના ગૃહરાજ્ય મંત્રી સતેજ પાટિલે કહ્યું હતું કે, તેમની સરકાર પાલઘર લિંચિંગ કેસ ઉપરાંત સોનિયા ગાંધીની બદનામી અંગે કોમવાદી નફરત ફેલાવવા બદલ ગોસ્વામી વિરૂદ્ધ કાયદાકીય વિકલ્પો ચકાસી રહી છે. કોંગ્રેસના છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહએ કોંગ્રેસ અધ્યક્ષ વિરૂદ્ધ વાંધાજનક શબ્દોના ઉચ્ચારણ બદલ ગોસ્વામી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કર્યા બાદ મહારાષ્ટ્રમાં પણ ફરિયાદ દાખલ થઇ હતી.