(એજન્સી) તા.૨૧
એક ઘાતક વળાંક સમાન ટીઆરપી કૌભાંડમાં અટવાયેલા અને ભારે અપમાન સહન કરનારા રિપબ્લિક ટીવીના સંસ્થાપક અર્નબ ગોસ્વામી મામલે રિપબ્લિક ટીવીએ મહારાષ્ટ્રના મંત્રી સામે એક હચમચાવી મૂકે તેવો આક્ષેપ કર્યો છે તેમાં દાવો કરાયો છે કે, વિવાદિત ટીવી એન્કરને મારી નાખી તેના મોતને આપઘાત જાહેર કરવાનું કાવતરૂં ઘડવામાં આવી રહ્યું છે. રિપબ્લિક ટીવીના દાવા અનુસાર તેના એક અંડરકવર રિપોર્ટરે ગુપ્ત રીતે રેકોર્ડ કરેલા એનસીપી નેતા અને મહારાષ્ટ્રના સરકારના મંત્રી નવાબ મલિકના વીડિયોથી ખુલાસો કર્યો છે. ચેનલે દાવો કર્યો છે કે, નવાબ મલિકે સ્વીકાર્યું છે કે, તેઓ ગોસ્વામી વિરૂદ્ધ કાવતરૂં ઘડી રહ્યા છે. રિપબ્લિક ટીવીએ એવો પણ દાવો કર્યો છે કે, અર્નબ ગોસ્વામી વિરૂદ્ધ નવાબ મલિક એક કાવતરૂં ઘડી રહ્યા છે અને તેમને મારી નાખીને તેને આપઘાત જેવી ઘટના બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બિગબોસ હોસ્ટ સલમાનખાન વિરૂદ્ધ વિવાદિત ટિપ્પણીઓ કરનારા ગોસ્વામીએ એક દિવસ પછી વધુ એક આ રીતે સનસનાટી મચાવતો દાવો કર્યો છે. પોતાના ન્યૂઝ ચેનલ પર ફરી એકવાર નાટકીય રીતે પ્રસ્તુત થયેલા ગોસ્વામીએ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાકવા પ્રયાસ કર્યા હતા. તેણે કહ્યું કે, હું છેલ્લે ૮ ઓગસ્ટથી જ કહેતો આવ્યો છું કે, આ એક ખોટો કેસ છે અને મારા વિરૂદ્ધ કાવતરૂં ઘડવામાં આવી રહ્યું છે. મારી વિરૂદ્ધ એક રાજકીય ષડ્યંત્ર રચાઈ રહ્યું છે. હું આપઘાત કરી લઉં તે માટે મને ફસાવવામાં આવી રહ્યો છે.