ભાવનગર,તા.૩૦
અલંગના મથાવડા ગામેથી એસઓજી પોલીસે બે રીઢા તસ્કરોને ગિરફતાર કરીને છ ચોરાઉ મોટરસાયકલ કબજે કરેલ છે. પોલીસે જે તસ્કરોને ગિરફતાર કરેલ છે તેમાં ભરવાડ કમલેશભાઈ ઉર્ફે કમો બોઘાભાઈ રાઠોડ (રહે.સોસીયા) તથા તુલશીભાઈ કાળુભાઈ દિહોરા (રહે.સોસીયા)ને ચોરાઉ વાહનો સાથે ઝડપી લીધેલ છે અને મોટર સાયકલ નંબર જીજે ૪ એએમ ર૬ર૩ સાથે આ બન્ને તસ્કરોની ધરપકડ થયેલ છે.
એસઓજી પોલીસના જણાવ્યા અનુસાર આ બંન્ને તસ્કરોએ ભાવનગર શહેરમાંથી તથા ખોડિયાર મંદિરેથી તેમજ તળાજાના શાકમાર્કેટમાંથી અને લાખણકા ગામેથી અલગ-અલગ જગ્યાએથી કુલ છ મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત આપે છે. હવે એસઓજી પોલીસ તસ્કરો પાસેથી ચોરાઉ મોટરસાયકલો કબજે કરશે. આ કામગીરીમાં એસઓજીના ઈન્ચાર્જ પી.આઈ. ડી.ડી.પરમાર, અલંગ મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ટી.એસ.રીઝવી તથા સ્ટાફના ટી.કે.સોલંકી, અનિરૂદ્ધસિંહ ગોહિલ, જગદીશ મારૂ, યોગેન્દ્રસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, શરદ ભટ્ટ તથા જી.જી.સરવૈયા અને દિનેશભાઈ માયડા સહિતનો સ્ટાફ જોડાયો હતો.