(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા શુક્રવાર અલવિદા જુમ્માના દિવસે નમાઝ પઢવા અંગેની શંકાઓ દૂર કરતાં ઈસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયાએ શુક્રવારે એક સલાહ બહાર પાડી હતી. કોવિડ-૧૯ લોકડાઉનના પગલે ઈસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયાના ચેરમેન દ્વારા બહાર પાડવામાં આવેલી આ સલાહમાં કહેવામાં આવ્યું હતું કે, રમઝાનનો છેલ્લો શુક્રવાર રર મેના રોજ આવે છે. આથી મુસ્લિમોએ લોકડાઉન અંગે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જે ચાર-પાંચ લોકો મસ્જિદમાં રોકાય છે તેઓ ત્યાં નમાઝ પઢી શકે છે. જ્યારે ઘરે ચાર લોકો સાથે મળી અલવિદા જુમ્માની નમાઝ પઢી શકે છે. જો ઘરમાં ચાર લોકો ન હોય તો તેમણે ઝોહરની નમાઝ પઢવી જોઈએ. મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ કહ્યું હતું કે, જ્યાં સુધી ઈદ-ઉલ-ફિત્રની નમાઝની વાત છે ત્યાં સુધી લોકોએ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લોકડાઉનની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. ઈદની નમાઝ પહેલાં ગરીબોને ઝકાત આપવી જોઈએ. મસ્જિદમાં રહેનારા ચાર-પાંચ લોકો ત્યાં નમાઝ પઢી શકે છે. જ્યારે ઘરે ચાર લોકો ભેગા મળી ઈદની નમાઝ પઢી શકે છે. મૌલાના ફિરંગી મહલીએ આગળ કહ્યું હતું કે, જો ઘરમાં ચાર લોકો ન હોય તો તેમણે ચાર રકાત નમાઝ-એ-બશ્ત પઢવી જોઈએ. જો કોઈને ખુત્બો યાદ હોય તો તે પણ પઢી શકાય છે. પરંતુ જો ખુત્બો યાદ ન હોય તો દુરૂદ શરીફની સાથે સુરએ-ફાતેહા, સુરએ ઈખલાસ તેમજ કુર્આનશરીફની વધુ એક સુરઅહ પઢવી જોઈએ. ઈસ્લામિકક સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં લોકડાઉનના પાલન પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માર્ગદર્શિકામાં આ પણ કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એકબીજાને ઈદની મુબારકબાદી આપવામાં આવે.