હિંદુસ્તાની ફિલ્મ જગતના અત્યાર સુધીના સૌથી દિગ્ગજ અભિનેતા અને સદીના મહાનાયક એવા દિલીપકુમારે છેવટે આ ફાની દુનિયાને કાયમને માટે અલવિદા કહી દીધું છે. બોલિવૂડથી માંડીને તમામ રાજ્યોની ફિલ્મોના દિગ્ગજ સિતારાઓ એકી અવાજે જેમનું નામ આદરથી લે છે અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનથી માંડીને ધર્મેન્દ્ર સુધીના શિરમોર અભિનેતાઓ અદબપૂર્વક એમનું સંપૂર્ણ સન્માન કરે છે એવા યુસુફખાનની વિદાય એ કોઈ એક પીઢ અભિનેતાની વિદાય માત્ર નથી પણ હિન્દી સિનેમાના સુવર્ણ કાળના એક યુગપુરૂષની વિદાય છે.
ખૂબ સારી રીતે લાંબું જીવન જીવી જનાર દિલીપકુમારે પોતાની કર્મભૂમિ ખાતે જ અંતિમ શ્વાસ લીધા અને એમના એક સમયના સાથીઓ મોહમ્મદ રફી સાહેબ, મઝરૂહ સુલ્તાનપુરી, મધુબાલા જેવી હસ્તીઓ જ્યાં દફન છે એ જ કબ્રસ્તાનમાં સુપુર્દે ખાક થયા….. પદ્મ વિભૂષણથી નવાજાયેલા આ મહાનાયકની એ વિશેષતા હતી કે તે ગમે તેવા જટિલ પાત્રને બખૂબી નિભાવી જાણતા અને એ પાત્રમાં એટલા ઓતપ્રોત થઈ જતા કે આપણને એમ લાગે જ નહીં કે આ પાત્રને કોઈ અભિનેતા પોતાના અભિનયથી નિભાવી રહ્યો છે. અત્યંત વાસ્તવિકતાથી પાત્રને જીવી જનારા દિલીપ સાંબે મોટાભાગે બેનમૂન કિરદારો નિભાવ્યા…. તમે બ્લેક એન્ડ વ્હાઈટ મૂવી દેવદાસનું એમનું પાત્ર જોઈ લો કે પછી રંગીન સિનેમાની મશાલ ફિલ્મમાં એમણે નિભાવેલું તંત્રીનું પાત્ર જોઈ લો….. એ પાત્રો એમણે એટલી વાસ્તવિકતાથી નિભાવ્યા કે કરોડો લોકોને તે અસર કરી ગયા….મુગલે આઝમના વિદ્રોહી શાહઝાદાનું પાત્ર હોય કે પછી વિધાતા ફિલ્મનું વયોવૃદ્ધ દાદાનું પાત્ર હોય દરેક પાત્રને એ અદ્દલજીવી જ્જતા બલ્કે કહો કે જે-તે પાત્ર દિલીપસાહેબને કારણે જીવી જતું…. એમણે જે ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યા એની પર નજર નાખીએ તો ખ્યાલ આવે કે જો એ પાત્ર દિલીપકુમારે ન ભજવ્યું હોત તો શું એ આટલું યાદગાર બન્યું હોત ખરૂં ?
હિન્દી ફિલ્મ ઉદ્યોગ જ્યારે વિકાસ નહોતો પામ્યો અને બીજા શબ્દોમાં કહીએ તો અસ્તિત્વના સવાલ સાથે ડચકાં ખાઈ રહ્યો હતો ત્યારે પેશાવરનો એક શરમાળ પઠાણ યુવાન બોમ્બેની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તારણહાર બનીને આવ્યો અને હિન્દી સિનેમાને એક નવા આયામ સુધી લઈ ગયો. પછી તો દિલીપકુમારે એવા વિક્રમો સ્થાપ્યા કે જે આજ સુધી અજેય જ રહ્યા છે. એક કલાકાર તરીકે એમની ખૂબીઓ તો બેમિસાલ જ હતી પણ તેમનું જીવન પણ એક્ટિંગ શીખનારા કે કરનારાઓ માટે એક યુનિવર્સિટીથી કમ ન હતું. પંડિત જવાહરલાલ નહેરૂથી માંડીને એક સાવ અદના ભારતીય સુધીના જીવનમાં કયાંકને કયાંક દિલીપકુમારના અભિનયનો એક ખૂણો તો સલામત હતો જ. તે વખતના દરેક દેશવાસીના હૃદયમાં દિલીપકુમાર કોઈને કોઈ સ્વરૂપે સંગ્રહાયેલા હતા. હોલીવૂડની ફિલ્મને પણ ઠોકર મારી જનારા દિલીપકુમાર ખુદ્દારી અને ખુમારીથી જીવ્યા…. માત્ર સિનેમા જગત જ નહીં પરંતુ દેશના જાહેર જીવન પર પણ તેમની એક અમીટ છાપ હતી. તેઓ એક એવા નખશિખ સજ્જન પુરૂષનું વ્યક્તિત્વ ધરાવતા હતા કે માત્ર ભારત જ નહીં પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અરબ દેશો અને પશ્ચિમી રાષ્ટ્રોમાં પણ તેમને ભારે માનથી જોવામાં આવે છે. ઉર્દૂ, અંગ્રેજી, હિન્દી તેમજ ભારતની અનેક લોકબોલીઓ પર એમનું પ્રભાવશાળી પ્રભુત્વ હતું… વળી જોવાની ખૂબી એ છે કે આટલું બધું અલ્લાહે એમને આપ્યું હોવા છતાં તેઓ એક સહૃદયી અને અત્યંત વિનમ્ર હતા.
આપણે પડદા પરના તો ઘણા ‘હીરો’ને જોઈએ છીએ પણ વાસ્તવિક જીવનમાં તેઓ હીરો તો શું પણ એક અદના પાત્રને પણ લાયક નથી હોતા જ્યારે દિલીપકુમાર પડદા પર તો અદ્ભૂત હીરો હતા જ પરંતુ વાસ્તવિક જીવનમાં ય અતુલ્ય નાયક હતા.
અલવિદા યુસુફ સા’બ : વાસ્તવિક “હીરો”ની વિદાય…..

Recent Comments