(એજન્સી) અલીગઢ,તા.૬
દિલ્હીમાં તબ્લીગી જમાતના મરક્ઝમાં યોજાયેલ કાર્યક્રમને નિશાન બનાવીને હિન્દુ મહાસભાના મહાસચિવ પૂજા શકુન પાંડે પર ભડકાઉ ટિપ્પણી કરવાના આરોપ હેઠળ કેસ દાખલ કરાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. અલીગઢ શહેરના પૂર્વ ધારાસભ્ય હાજી ઝમીર ઉલ્લાહ ખાન દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે પાંડે સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પાંડે પર ઈ.પી.કો.ની કલમો ૧૫૩એ (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષા, વગેરેના આધારે જુદા જુદા જૂથો વચ્ચે શત્રુતાને પ્રોત્સાહન આપવી) અને ૫૦૫ (૨) (વર્ગોમાં દુશ્મનાવટ ફેલાવનારા નિવેદનો આપવા ) હેઠળ કેસ દાખલ કરાયો છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક મુનિરાજ જી. ને આપેલી ફરિયાદમાં, પૂર્વ ધારાસભ્યએ માર્ચ મહિનામાં દિલ્હીમાં નિઝામુદ્દીન મરકઝ મામલે તમામ જમાતવાદીઓ વિરૂદ્ધના નિવેદન આપવા માટે પાંડે સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ખાને પાંડે પર આરોપ લગાવ્યો હતો કે, શહેરની સાંપ્રદાયિક શાંતિમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, પાંડેએ ૪ એપ્રિલે પોતાના નિવેદનમાં નિઝામુદ્દીન ખાતે તબ્લીગી જમાત મરકઝના સંબંધમાં ચોક્કસ સમુદાય વિરુદ્ધ કેટલીક અત્યંત ભડકાઉ ટિપ્પણી કરી હતી. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર મરકઝમાં હાજરી આપનાર લોકોમાંથી કેટલાક લોકોમાં કોરોના વાયરસના કેસો શોધી કાઢવામાં આવ્યા હતા.