(એજન્સી) તા.૨૩
આજથી ત્રણ સપ્તાહ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી ઉજવણી સમારોહને સંબોધન દરમિયાન આ સદી જૂની સંસ્થાને મિની ઇન્ડિયા ગણાવીને ભારતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે એવું જણાવ્યા બાદ અલીગઢ નગર નિગમ એટલે કે અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓએ કેટલાય વર્ષોનો બાકી નીકળતો હાઉસ ટેક્સ નહીં ચૂકવવાના આધાર પર યુનિવર્સિટીનું બેંક ખાતુ જપ્ત કરીને ટાંચમાં લીધું છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પાસેથી હાઉસ ટેક્સ પેટે રૂા.૧૪.૯૮ કરોડ એટલે કે ૨૦૩૬૩૬૩ ડોલર બાકી નીકળે છે. ટેક્સની વસૂલાત સામેના આદેશને પડકારતી અરજી અલ્હાબાદ હાઇકોર્ટ સમક્ષ પડતર હોવા છતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ યુનિવર્સિટીના બેંક એકાઉન્ટને જપ્ત કરવાનું જલદ પગલુ લીધું છે. યુનિવર્સિટી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર યુનિવર્સિટી પણ પોતાના ટ્યૂબવેલમાંથી શહેરના નાગરિકોને પીવાનું પાણી પુરું પાડવા બદલ મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસેથી રૂા. ૯ કરોડ બાકી નીકળે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણીની જરુર હોવાથી પોતાના ટ્યૂબવેલને ઓપરેટ કરવા માટે યુનિવર્સિટીએ ચૂકવેલ વીજ બિલ પેટે યુનિવર્સિટીના મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રુ.૯ કરોડ બાકી લેણા નીકળે છે. પરંતુ આ અહેવાલ પ્રસિદ્ધ થયો ત્યાં સુધી અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને યુનિવર્સિટીની બાકી નીકળતી રકમ ચૂકવી નથી. જો કે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ આ મુદ્દાને બહુ મહત્વ નહીં આપતાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશને યુનિવર્સિટી પાસેથી હાઉસ ટેક્સ પેટે ચૂકવણી કરવા કહ્યાં બાદ તેમણે ટ્યૂબવેલનું બિલ બાકી કાઢ્યું છે અને જ્યાં સુધી હવે યુનિવર્સિટી ટેક્સ ચૂકવશે નહીં ત્યાં સુધી તેના બેંક ખાતા પરનો પ્રતિબંધ ઉઠાવાશે નહીં. જો કે આશ્ચર્યની વાત એ છે કે બનારસ હિંદુ યુનિવર્સિટી સત્તાવાળાઓ પણ સંબંધીત મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઉસ ટેક્સ ચૂકવતાં નથી. એએમયુના જનસંપર્ક અધિકારી ઓમર પીરજાદાએ જણાવ્યું હતું કે સ્થાનિક સત્તાવાળાઓએ હાઇકોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી રાહ જોવી જોઇતી હતી. અલબત એએમયુના શતાબ્દિ સમારોહમાં વડાપ્રધાનના ઓનલાઇન ભાષણ બાદ એએમયુના બેંક એકાઉન્ટ જપ્ત કરવાનું પગલું કદાચ યોગાનુયોગ હશે. પરંતુ વડાપ્રધાનનું યુનિવર્સિટીના રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની કદર કરતું ભાષણ એ સકારાત્મક બાબત છે. જો વડાપ્રધાનના ભાષણ પૂર્વે આ મુદ્દો ઉછાળવામાં આવ્યો હોત તો યુનિવર્સિટીઓ પર જમણેરી પાંખના સભ્યો તૂટી પડ્યાં હોત અને યુનિવર્સિટીને બદનામ કરવા માટે કોઇ કસર બાકી રાખી ન હોત.