(એજન્સી)
અલ્વર, તા. ૧૧
ગુજરાત બાદ હવે તમામની મીટ રાજસ્થાન પર છે કે જ્યાં લોકસભાની બે અને વિધાનસભાની એક બેઠક માટે ૨૯ જાન્યુઆરીના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. જે બે મત વિસ્તારોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે તેમાં અલ્વર અને અજમેરનો સમાવેશ થાય છે. અલ્વરમાં ગઈ સાલે ગાયોની તસ્કરીની શંકાના આધારે ગૌરક્ષકોએ બે શખ્સોની હત્યા કરી હતી.
અલ્વરના સાંસદ ચાંદનાથ અને અજમેરના સાંસદ શનવરલાલના અવસાનના કારણે ખાલી પડેલી લોકસભાની આ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. રાજકીય વિશ્લેષકો અને નિરીક્ષકોનો એવો મત છે કે નવે.-ડિસેમ્બરમાં રાજ્યની યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અને ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં આ પેટા ચૂંટણી સેમીફાઈનલ જેવી છે.
સહાનુભૂતિની લહેરનો લાભ ઊઠાવવા ભાજપે પૂર્વ પ્રધાન શનવરલાલ જાટના પુત્ર રામસ્વરૂપ લાંબાને અજમેરમાંથી પોતાના ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે. જ્યારે અલ્વરની બેઠક પર વસુંધરા રાજે કેબિનેટના પ્રધાન ડો. જશવંતસિંહ યાદવને ઊભા રાખ્યા છે. કોંગ્રેસે અજમેર જિલ્લામાં કેકરીના પૂર્વ ધારાસભ્ય રઘુ શર્મા અને અલ્વરના પૂર્વ ધારાસભ્ય ડો. કરણસિંહ યાદવને મેદાનમાં ઊતાર્યા છે.
૨૦૧૪ની લોકસભાની ચંંૂટણીમાં ભાજપનો આ બંને બેઠકો પર વિજય થયો હતો. અજમેરમાં શનવરલાલ જાટે ૧.૭૦ લાખ વોટની સરસાઈથી કોંગ્રેસના સચિન પાયલટને પરાજય આપ્યો હતો. જ્યારે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભંવર જિતેન્દ્રસિંહનો મહંત ચાંદનાથ સામે ૨.૮૦ લાખ વોટસની સરસાઈથી પરાજય થયો હતો.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નિકટના જિતેન્દ્રસિંહ અને રાજ્ય કોંગ્રેસના પ્રમુખ સચિન પાયલટ આ વખતે ચૂંટણી લડી રહ્યા નથી. જ્યારે પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને પૂછવામાં આવ્યું કે આ બંને નેતાઓ શા માટે ચૂંટણી લડતા નથી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ એક પક્ષની રણનીતિ છે જે જાહેર કરી શકાય તેમ નથી. રાજકીય નિરીક્ષકોના માનવા મુજબ સચિન પાયલટ એક વર્ષ માટે લોકસભામાં જઈને ફરીથી ચૂંટણી લડવા માગતા નથી. બીજું તેઓ પહેલા રાજયના રાજકારણમાં વધુ સમય આપવા માગે છે અને ત્યારબાદ કેન્દ્રના રાજકારણમાં જવા માગે છે.
રાજ્યમાં કોગ્રેસના પ્રમુખ તરીકે ચાર વર્ષ કરતા વધુ સમય દરમિયાન તેમણે એક લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે અને કોંગ્રેસ કાર્યકરોનું નૈતિક બળ વધાર્યું છે. ભાજપના ઉમેદવાર રામસ્વરૂપ લાંબા રાજકારણમાં નવા છે પરંતુ તેમના પિતાના મૃત્યુ બાદ સહાનુભૂતિ જીતવા ભાજપે તેમને ટિકિટ આપી છે. બીજું લાંબા જાટ સમુદાયના છે અને આ જ મત વિસ્તારમાં મોટી સંખ્યામાં જાટના મતો છે.
જ્યારે અલ્વર સંવેદનશીલ મત વિસ્તાર છે અહીં બે યાદવો એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે. આ મત વિસ્તારમાં મેવો મુસ્લિમો અને યાદવોનું આદિપત્ય છે અને તેથી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કશોકશનો જંગ ખેલાશે.
અલ્વરમાં તાજેતરના ભૂતકાળમાં ગૌરક્ષકોના અપરાધો જોવા મળ્યા છે. નવે.માં ગૌરક્ષકોએ ઉંમર નામના એક શખ્સને ઠાર માર્યો હતો. ગૌ તસ્કરીના શકના આધારે તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં અલ્વરના જિલ્લાના ગોવિંદગઢના એક અન્ય શખ્સ પણ ઘાયલ થયો હતો. એપ્રિલમાં અલ્વરમાં જ ગૌરક્ષકોએ ગાયોની તસ્કરીના શકના આધારે પહેલુખાનની મારપીટ કરીને હત્યા કરી હતી. મેવો મુસ્લિમોની સંખ્યા અલ્વરમાં ૨.૫ લાખ જેટલી છે. ગૌરક્ષકો દ્વારા મુસ્લિમોની હત્યાની ઘટનાને કારણે મુસ્લિમો કોંગ્રેસની તરફેણ કરશે અને યાદવના મતો બંને પક્ષો વચ્ચે વિભાજિત થશે.
અલ્વર જિલ્લાના રામગઢ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજા આ મત વિસ્તારમાં હિંદુ કાર્ડ ખેલી રહ્યા છે. તાજેતરના એક નિવેદનમાં તેમણે કહેવાતા ગૌતસ્કરોની હત્યાને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મેરા તો સીધાસીધા કહેના હૈ, ગૌતસ્કરી કરોગે યા ગૌકાશી કરોગે તો યૂહીં મરોગે. આમ, તેમનું આ નિવેદન રાજકીય નિરીક્ષકો હિંદુ મતદારોનો સ્નેહ જીતવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. આ ચૂંટણીના પરિણામો ભલે ગમે તે આવે પરંતુ એક વાત ચોક્કસ છે કે સૌ કોઈની મીટ આ પેટાચૂંટણી પર છે કે જેને રાજ્ય વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીઓની સેમીફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે.
– અનિલ શર્મા
(સૌ. : ધ ક્વિન્ટ.કોમ)