(એજન્સી) નવી દિલ્હી, તા.૯
અયોધ્યાની બાબરી મસ્જિદનો કેસ એક તરફ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે એવા જ એક કેસમાં મસ્જિદને અન્યત્ર ખસેડવા બંને પક્ષ માટે સહમત થઇ ગયા છે. મહત્વની વાત એ છે કે, આ વાતચીતની પહેલ મુસ્લિમ પક્ષે કરી હતી. અલાહાબાદ હાઇકોર્ટ પરિસરમાં એક મસ્જિદ બનેલી છે. મસ્જિદને હટાવવા વિરૂદ્ધ હાઇકોર્ટના આદેશ બાદ સુન્ની બોર્ડે સુપ્રીમ કોર્ટમાં વિશેષ પરવાનગી અરજી દાખલ કરી હતી. બોર્ડ તરફથી વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, આ મામલે તેઓ કાયદાના મુદ્દે ચર્ચા કરવા નથી માગતા અને તેનું કંઇ બીજું સમાધાન થવું જોઇએ. આ અંગે મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠના એક જજ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, સરકાર અન્ય સ્થળે મસ્જિદ બનાવવા જમીન આપી શકે છે. સિબ્બલે કહ્યું કે, આ માટે તેઓ તૈયાર છે. પરંતુ મસ્જિદમાં ઘણા દશકોથી લોકો નમાઝ પઢી રહ્યા છે. આ અંગે યુપી સરકાર તરફથી હાજર વકીલ મુકુલ રોહતગીએ વિરોધ કરતા કહ્યું કે, આ વિવાદિત તથ્ય છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, મસ્જિદ બિલકુલ કોર્ટ પરિસરની નજીક છે. વકીલોની ચેમ્બર પાછળ જગ્યા ખાલી પડી છે સરકાર મસ્જિદ બનાવવા માટે જમીન આપવા વિચારણા કરી શકે છે.