(એજન્સી) તા.૧ર
કબજો કરાયેલા પૂર્વી જેરૂસલેમમાં બુધવારે અલ-અક્સા મસ્જિદના આંગણામાં ઉત્તરી અને પશ્ચિમી દીવાલ પર ઈઝરાયેલી સૈનિકો દ્વારા લાઉડ સ્પીકર્સ લગાવવામાં આવ્યા હતા. સ્પીકર સિસ્ટમ વ્યવસ્થા ઈઝરાયેલી દળોને મસ્જિદમાં ઘોષણાઓ કરી અને સૂચનાઓ આપીને મુસ્લિમ ઈબાદત ગુજારોનો શાંતિભંગ કરવા અને ઉલ્લંઘન કરવાની સુવિધા આપે છે. ઈઝરાયેલી સત્તાવાળાઓ દ્વારા ર૦૧૭થી ગોઠવેલા લાઉડ સ્પીકરોનો આ ત્રીજો રાઉન્ડ છે, જે તેમને અલ-અક્સા મસ્જિદના કમ્પાઉન્ડની ઉત્તરી દિશામાં મસ્જિદની અંદર અને બહાર ઘોષણાઓ કરવા સક્ષમ બનાવે છે. આ ધાર્મિક સ્થળના વડા, ઈસ્લામિક વકફ દ્વારા પણ એક લાઉડ સ્પીકર ચલાવવામાં આવે છે, જેની સાથે આ ત્રીજો સેટ છે. જોર્ડને આ પગલાંની નિંદા કરી અને આને ઈઝરાયેલ દ્વારા કરાયેલા સતત ઉલ્લંઘન તરીકે વર્ણવ્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા, ડેઈફલ્લાહ ફૈઝે કહ્યું કે યુનેસ્કોની આ વર્લ્ડ હેરિટેજ સાઈટ ઉપર ઈઝરાયેલી દળોનો આ વાહિયાત વ્યવહાર બેજવાબદાર છે અને વિશ્વભરના મુસ્લિમોની ભાવનાઓને ઉશ્કેરે છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને જવાબદારી લેવા વિનંતી કરી હતી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરતા ઈઝરાયેલના હુમલાઓને રોકવા માટે તેની પર દબાણ કરવા કહ્યું હતું. અલ-અક્સા મસ્જિદના પૂર્વ મુખ્ય મુફ્તી ઈકરિમા સાબરીએ મિડલ ઈસ્ટ આઈને કહ્યું કે ઈઝરાયેલ, મસ્જિદ ઉપર પોતાનું સાર્વભૌમત્વ થોપવા માંગે છે અને ઈસ્લામિક વકફને ઈજા પહોંચાડે છે. અલ અક્સા ઉપરના કબજા કરવાના પગલાં ગેરકાયદેસર અને અમાન્ય છે. અમે ઈઝરાયેલી સરકારને અલ-અક્સાની પવિત્રતાનો ભંગ કરવા જવાબદાર ઠેરવીએ છીએ. અલ-અક્સા મસ્જિદ વિશ્વભરમાં મુસ્લિમોની ત્રીજી સૌથી પવિત્ર જગ્યા છે. યહુદીઓ આ વિસ્તારને ટેમ્પલ માઉન્ટ કહે છે અને દાવો કરે છે કે આ સ્થળે પ્રાચીન કાળમાં બે જ્યુઈશ ટેમ્પલ્સ હતા.