(એજન્સી) દોહા, તા. ૧૨
કતરની અલ-જઝીરા ટીવી ચેનલ માટે કામ કરતી લેબેનોનની એન્કર ઘાદા ઉઇસે કહ્યું છે કે, તેણે સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, સંયુક્ત આરબ અમિરાતના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદ અને બંને દેશના અન્ય અધિકારીઓ વિરૂદ્ધ તેના બનાવટી ન્યૂડ ફોટા બહાર પાડીને તેનો બહિષ્કાર કરવાની હાકલ બદલ એક દાવો માંડ્યો છે. અહેવાલો અનુસાર ઉઇસે ફ્લોરિડાની સાઉધર્ન ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. લેબેનીઝ એન્કરે આરોપ લગાવ્યો હતો કે, સઉદી અને યુએઇના શાસકો સાથે જ સઉદી અમે અમિરાતના અધિકારીઓ અને અમેરિકી નાગરિકોએ તેની પત્રકારિતાની કારકિર્દી અને વ્યક્તિત્વને ઝાંખુ પાડવાના ઇરાદા સાથે અભિયાન ચલાવ્યું છે કારણ કે, તેણે આ સરકારોની ટીકા કરતા અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. ઉઇસે દાવો કર્યો છે કે, તેને બદનામ કરવા માટે આશરે ૨૦ પ્રતિવાદીઓ સામેલ છે જેમાં તેના ફોનને હેક કરીને પર્સનલ ડેટામાંથી ફોટો લીક કર્યા અને તેમાં વિદેશી અને સ્થાનિક સરકારી મદદ પણ લઇને તેમણે મારા ફોટા સાથે છેડછાડ કરીને બહાર પાડ્યા છે. પ્રતિવાદીઓમાં ફ્લોરિડા ખાતેના શેરોન કોલિન્સ અને હુસ્સામ અલ-જુંડી પણ સામેલ છે જેઓ કથિત રીતે આરોપમાં નુકસાનકારક કૃત્યમાં સામેલ હોવા તથા ઉઇસ વિરૂદ્ધ ષડયંત્ર રચ્યું હતું જેમાં તેના ફોનમાંથી માહિતી ચોરીને પ્રસિદ્ધ કરવાનો પણ આરોપ છે.