(એજન્સી) તા.૧૪
અવધના અંતિમ શાસક નવાબ વાજિદ અલી શાહના પ્રપૌત્ર રાજુકમાર કૌકબ કદર સાજાદ અલી મિરઝાનું નિધન થઈ ગયું છે. રવિવારે સાંજે કોલકાતામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે વાજિદ અલી શાહ અને બેગમ હઝરત મહાલના પ્રપૌત્ર હતા. પરિવારે જણાવ્યું કે ૮૭ વર્ષીય મિરઝા એક સપ્તાહ પૂર્વે કોરોનાની તપાસમાં પોઝિટિવ મળી આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, બે દીકરા અને ચાર દીકરીઓ છે. તે કોલકાતાના મટિઆબુર્જમાં સિબ્તેનાબાદ ઈમામવાડા ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટી પણ હતા. અહીં તેમના પરદાદા નવાબ વાજિદ અલી શાહની કબ્ર પણ છે. પ્રિન્સ મિરઝાએ વાજિદ અલી શાહના સાહિત્યક અને સાંસ્કૃતિક યોગદાન પર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી ઉર્દૂમાં ડૉક્ટરેટ કર્યુ હતું. તેમણે એ જ યુનિવર્સિટીમાં અધ્યાપનનું કામ કર્યુ અને ૧૯૯૩માં ઉર્દૂના પ્રોફેસર તરીકે સેવાનિવૃત્ત થયા હતા. પ્રિન્સ મિરઝા બિલિયડ્‌ર્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઈન્ડિયા,વેસ્ટ બંગાળ બિલિયડ્‌ર્સ એસોસિએશન અને ઉત્તરપ્રદેશ બિલિયડ્‌ર્સ એન્ડ સ્નૂકર એસોસિએશનના સંસ્થાપક સચિવ હતા. તેમના દીકરા ઈરફાન અલી મિરઝાએ જણાવ્યું કે દુનિયાની પ્રથમ વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપનું આયોજન ૧૯૬૩-૬૪માં કોલકાતાની ગ્રેટ ઈસ્ટર્ન હોટેલમાં થયું હતું. તેમાં મારા પિતા મુખ્ય રેફરી રહ્યા હતા. આબીએસએફ વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ, એમએમ બેગ ટ્રોફીનીડિજાઈન પણ તેમના દ્વારા જ કરાઈ હતી.