(એજન્સી) નવી દિલ્હી,તા.૧
એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને વિનંતી કરી છે કે એમણે વિદેશી સમાચારોના અનિયંત્રિત પ્રસારણ સામે જે અપશુકનિયાળ દેખાતી માર્ગદર્શિકા બહાર પાડી છે એ પાછી ખેંચી લે, કારણ કે આના લીધે અશાંત કરનાર અસરો પડશે. એક નિવેદનમાં ગિલ્ડે કહ્યું છે કે પી.સી.આઈ. દ્વારા મીડિયાને ૨૫મી નવેમ્બરે જણાવેલ માર્ગદર્શિકાથી અમે વ્યથિત થયા છીએ. ગિલ્ડે કહ્યું કે કાઉન્સિલનું માનવું છે કે મીડિયા પોતાની રીતે સ્વ-નિયંત્રણ રાખી સમાચારો પ્રકાશિત કરે છે અને એમાં જો સરકારની દખલ હશે તો એ પ્રેસની સ્વતંત્રતા સામે જોખમ ઊભું કરનાર થશે. જોકે આ માર્ગદર્શિકા દ્વારા એવું જણાઈ આવે છે કે એ પોતાના સિદ્ધાંતોથી દૂર જઈ રહી છે અને સરકારને નિયંત્રણો મૂકવા આમંત્રિત કરી રહી છે. માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે સંસ્થાઓએ અનપેક્ષિત સામગ્રી પ્રકશિત કરવી નહિ અને જણાવે છે કે પુરતી ખરાઈ પછી જ વિદેશી સામગ્રી પ્રકાશિત કરવી. પી.સી.આઈ.એ અનપેક્ષિતની કોઈ વ્યાખ્યા આપી નથી. જેથી એ નિર્ણય સરકાર પાસે જતો રહેશે અને સરકાર મનસ્વી રીતે પોતાના નિયંત્રણો મૂકવા શરુ કરી દેશે. એ માટે ગિલ્ડે પી.સી.આઈ.ને માર્ગદર્શિકા પાછી ખેંચી લેવા વિનંતી કરી છે.