(એજન્સી) ભાગલપુર, તા.૨૬
બિહારના ભાગલપુરમાં ભડકેલી કોમી હિંસા મામલે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના પુત્ર અરિજિત સાશ્વત સામે ધરપકડ વોરંટ જારી થવા છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચારે તરફથી ઘેરાયા છે. રાજદના નેતા તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ તથા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નીતિશ સરકાર પર પ્રહારો કર્યા છે. તેજસ્વી યાદવે કહ્યું છે કે, મુખ્યમંત્રી નીતિશ કુમારે જવાબ આપવો પડશે કે, કોર્ટ તરફથ ધરપકડ વોરંટ જારી થયા બાદ પણ અરિજિત સાશ્વત ખુલ્લેઆમ ફરી રહ્યા છે. નીતિશનું સરકાર પર અંકુશ નથી અને સરકાર નાગપુરથી ચાલી રહી છે. એ દેખાડે છે કે, તેઓ કેટલા નબળા થઇ ગયા છે.
બીજી તરફ આ મામલે ખુદ ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નીતિશ કુમાર પર આરોપ લગાવતા સવાલ કર્યો છે કે, બિહાર પોલીસ આખરે શું કરી રહી છે ? નીતિશ કુમારને પુછવું જોઇએ કે આ શું થઇ રહ્યું છે ? પોલીસ પાસે વોરંટ છે તો તેણે ધરપકડ કરવી જોઇએ. દરમિયાન અરિજિત સાશ્વતે ધરપકડ વોરંટને ડીંગો દેખાડતા સોમવારે મીડિયા સમક્ષ પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનો ઇન્કાર કર્યો હતો. ચૌબેને પુત્રે કહ્યું કે, હું ન્યાયાલયની શરણમાં છું, જેઓ ગાયબ થઇ ગયા હોય તેમને શોધવા પડે છે પણ હું તો સમાજ વચ્ચે છું. હું આત્મ સમર્પણ કેમ કરૂં ? કોર્ટ જો વોરંટ કાઢે છે તો શરણ પણ આપે છે. એક વખથ વ્યક્તિ કોર્ટમાં જાય પછી એ તે જ કરશે તે કોર્ટ કહેશે. અરિજિતે કહ્યું કે, પોલીસ મને પકડવા આવે તે પછીની વાત છે મેં કોર્ટમાં આગોતરી જામીન માટે અરજી દાખલ કરી દીધી છે.