(એજન્સી) તા.૯
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા ૧, સપ્ટે. ૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર ખેતીવાડી કે દૈનિક ધોરણે કામકાજ સાથે સંકળાયેલા લોકોમાંથી ૨૦૧૯માં ૪૨૮૪૪ આત્મહત્યા દ્વારા મૃત્યુ નોંધાયાં હતાં. અહેવાલ અનુસાર ભારતમાં ૧૩૯૧૨૩ મૃત્યુમાંથી દૈનિક રોજમદારના ૩૨૫૬૩ મૃત્યુ થયાં હતાં જેમાં મૃતકોમાં ૨૯૦૯૨ પુરુષો, ૪૬૭ મહિલાઓ અને ૪ ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થતો હતો અને આમ કુલ ૨૩.૪ ટકા મૃત્યુ થયાં હતાં. એ જ રીતે ખેડૂતો, ખેતીવાડી કરનારા, કૃષિ શ્રમિકો જેવા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ૧૦૨૮૧ લોકોના ગઇ સાલ આત્મહત્યાને કારણે મૃત્યુ થયાં હતાં જે ભારતમાં કુલ મૃત્યુની ૭.૪ ટકાવારી દર્શાવે છે. ૫૯૫૭ ખેડૂતો કે કૃષિકારના મૃત્યુમાંથી પુરુષોના ૫૫૬૩ અને મહિલાઓમાં ૩૯૪ મૃત્યુ થયાં હતાં. આ ઉપરાંત ૪૩૨૪ ખેત મજૂરોના મૃત્યુમાંથી પુરુષોમાં ૩૭૪૯ અને મહિલાઓમાં ૫૭૫ મૃત્યુ થયાં હતાં. આ બંને સેક્ટર મળીને ભારતમાં ૩૧ ટકા મૃત્યુ આત્મહત્યા દ્વારા થયાં છે. ખેતીવાડીને લગતી સમસ્યા આત્મહત્યા કરવા પાછળનું મુખ્ય કારણ હોય એવું જણાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં કૃષિ ક્ષેત્રમાંથી સૌથી વધુ ૧૨૪૭ લોકોના મૃત્યુ થયાં હતાં જ્યારે તામિલનાડુમાં દૈનિક રોજમદારોનો સૌથી વધુ ઊંચો મૃત્યુઆંક હતો. કુલ ૫૧૮૬ દૈનિક રોજમદારોના મૃત્યુ થયાં હતાં. આ બંને રાજ્યોએ કૃષિ ક્ષેત્રમાં જંગી રોકાણ કર્યુ છે કે જ્યાં ઘણા દૈનિક રોજમદારોને પણ ખેત મજૂરો તરીકે કામ કરવા માટે રોકવામાં આવેલા છે. જો કે બિહાર, મણિપુર, ઓડિશા, ઉત્તરાખંડ અને પ.બંગાળમાં ખેડૂતોની આત્મહત્યાનો આંક શૂન્ય છે. ઓલ ઇન્ડિયા કિસાન સભાના મહામંત્રી હાનાન મૌલાહે જણાવ્યું હતું કે આ આંકડા સચોટ નથી કારણ કે ભારતના દરેક રાજ્યોમાં આત્મહત્યાના કેસો નોંધાયા છે. ખેડૂતોમાં ડિપ્રેશન આવવાનું મુખ્ય કારણ ઉત્પાદન અને આવક છે. લોન ભરપાઇ કરવાની નિષ્ફળતાના પગલે કેટલાક ખેડૂતો આવેશભર્યુ પગલું લે છે.
Recent Comments