અમદાવાદ,તા.૨૨
વિશ્વવ્યાપી સંસ્થા દાવતે ઇસ્લામી દ્વારા હૈદરાબાદ (તેલંગાણા)ના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય કામો કરાઇ રહ્યા છે. જેમાં અસરગ્રસ્તોને જમવાનું, પીવાલાયક પાણી, મેડિકલ કેમ્પ થકી હેલ્થ ટેસ્ટ અને દવાઓ ફ્રીમાં અપાઇ રહી છે. છેલ્લા થોડાક દિવસોથી હૈદરાબાદમાં ધોધમાર વરસાદ પડતા ૧૦ થી ૧૫ ફૂટ ઊંચા પાણી ભરાયા છે. જેમાં કેટલાક લોકો ડૂબી જતા જાનહાનિ થઇ હતી અને લોકોના ઘરોમાં પાણી ભરાતા સામાન, ફર્નિચર, કપડાં, વાહનોને પણ ઘણું નુકસાન થયું છે. લોકોની કફોડી સ્થિતિ જોતા દાવતે ઇસ્લામી વેલ્ફેર (ઇન્ડિયા) દ્વારા લોકોના ઘેર-ઘેર પહોંચીને પીવા માટે શુદ્ધ પાણી, જમવા માટે ફૂડ પેકેટ્‌સ તથા મેડિકલ કેમ્પોનું આયોજન કરાઇ રહ્યું છે. જરૂરી ચીજ-વસ્તુઓ એમના હાથ પર ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. સ્થાનિક સરકારી અધિકારીઓ અને પ્રતિનિધિ ઓને સાથે રાખી ગંદકીના કારણે મહામારીને અટકાવવા માટે મેડિકલ કેમ્પોનું આયોજન કરાઇ રહ્યું છે જેમાં મેડિકલ ટેસ્ટ અને દવાઓ ફ્રીમાં અપાઇ રહી છે. નોંધનીય છે દાવતે ઇસ્લામી સંસ્થા સમસ્ત ભારત અને વિશ્વમાં ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને વેલ્ફેર કામોમાં સક્રિય ભૂમિકા ભજવે છે અને લોક કલ્યાણના કામો માટે તત્પર રહે છે.