(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર
રાજ્યમાં નાગરિકોને અસામાજિક તત્ત્વોથી સુરક્ષા પૂરી પાડવા ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સ્પેશ્યલ એક્ટિવીટીઝ (પ્રિવેન્શન) વટહુકમ બહાર પાડવા માટે આજે સરકારના મંત્રીમંડળની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ તથા અસામાજિક તત્ત્વોની પ્રવૃત્તિઓ ડામવા તેમની સામે કાયદાનું શસ્ત્ર વાપરી શકાય તે માટે ખાસ જોગવાઈઓ કરતો કાયદો સરકાર દ્વારા લાવવામાં આવી રહ્યો છે. આ કાયદા હેઠળ આવા અસામાજિક તત્ત્વોને સાત વર્ષથી ૧૦ વર્ષ સુધીની કેદ તથા રૂા.પ૦ હજારથી ઓછો નહીં તેટલો દંડ ફટકારવા તથા ગુંડાઓને મદદ કરનાર રાજકીય સેવકને પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નિર્દોષ નાગરિકોને કોઇપણ અસામાજીક તત્ત્વો પરેશાન ન કરે અને તેઓને કોઇપણ પ્રકારની હેરાનગતી કરે નહીં તે માટે તથા અસામાજીક તત્વોને કડકમાં કડક સજા થાય અને રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે તે આશયથી આ વટ હુકમ બહાર પાડવામાં આવશે.
મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ગુંડા તત્વોની વ્યાખ્યામાં વ્યક્તિ અથવા જુથ દ્વારા હિંસાની ધમકી આપવી, ધાક ધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો અને જુથોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ‘અસામાજિક પ્રવૃતિ’ની, વ્યાખ્યામાં ભયની લાગણી ફેલાવવી, સાર્વજનિક જાહેર આરોગ્ય તથા ઇકોલોજી સીસ્ટમની સલામતી માટે જોખમ ઉભું કરવુ, જાહેર તથા ખાનગી મિલકતોને નુકસાન થાય તેવુ કોઇપણ કાર્ય કરવામાં આવશે તો તેને આ ગુના હેઠળ સજા કરવામાં આવશે.
ગુંડા ધારાના કડક અમલ માટે રાજ્ય સરકારે સજા અને દંડની જોગવાઇ પણ કરી છે. જેમાં કોઇ ગુંડો અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોય અથવા તેવી પ્રવૃત્તિ કરવાની તૈયારી કરતો હોય અથવા જાહેર વ્યવસ્થા જાળવવામાં કોઇપણ રીતે બાધક બને તેવી પ્રવૃત્તિઓ કરતો હોવાનું જણાય, ત્યારે તેને સાત વર્ષથી ઓછી નહિ અને દસ વર્ષ સુધીની કેદની અને પચાસ હજાર રૂપિયાથી ઓછો નહિ તેટલા દંડની શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે રાજ્યસેવક હોય તેવી કોઇ વ્યક્તિ ગુંડાને ગુનો કરવા પ્રેરીત કરે કે મદદ કરે અથવા ત્યારબાદ ગેરકાયદેસર રીતે કોઇ મદદ કરે કે સાથ આપે, કાયદાકીય પગલાં ન લે અથવા આ સંબંધમાં કોઇ કોર્ટ અથવા તેના ઉપરી અધિકારીઓના આદેશનું પાલન કરવાનું ઇરાદાપૂર્વક ટાળે, તેને ત્રણ વર્ષથી ઓછી નહિ પરંતુ દસ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે. આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરીને ગુંડા દ્વારા કરવામાં આવેલા કોઇપણ કાર્ય માટે દસ હજારથી વધુ નહિ તેટલા દંડ સહિત અથવા દંડ વિના, છ મહિનાથી વધુ નહિ તેટલી મુદતની કેદની સજાની જોગવાઇ કરાઇ છે.
આ કાયદાના ઝડપી અમલ અને નાગરિકોને સત્વરે ન્યાય આપી શકાય તે હેતુસર વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. અને એ માટે પુરતી જોગવાઇ પણ કરી દેવાઇ છે. આ ઉપરાંત જરૂર જણાયે નિયત સિવાયના અન્ય સ્થળે પણ કોર્ટ કાર્યવાહી માટે બેઠક બોલાવી શકાય તેવી જોગવાઇ પણ કરાઇ છે.
તેમણે કહ્યું કે આ વટ હુકમમાં પબ્લીક પ્રોસીક્યુટરની નિમણૂંક કરવામાં આવશે. જે દરેક વિશેષ અદાલત માટે કામ કરશે. તેમની સાથે પબ્લીક પ્રોસીક્યુટર, અધિક પબ્લીક પ્રોસીક્યુટર તેમજ ખાસ સરકારી ફોજદારી વકીલની રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક તથા તે અંગેની પાત્રતા માટેની જોગવાઇ કરવામાં આવી છે. .
મંત્રીએ કહ્યું કે ગુંડા ધારા હેઠળ ગુનામાં જે સાક્ષી બનશે તેને પણ સરકાર પુરેપુરૂ રક્ષણ આપશે. અને સાક્ષીની ઓળખ, સરનામું ગુપ્ત રાખવામાં આવશે. તદ્દઉપરાંત સાક્ષીઓના નામ અને સરનામાનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. તેના ઉલ્લંઘન બદલ જે તે વ્યક્તિને એક વર્ષ સુધીની કેદ અને ૫૦૦૦ રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરાઇ છે.
Recent Comments