ભરૂચ, તા.૧૮
અસુરિયા ગામ પાટિયા નજીક ઈંડા ભરેલી પીકઅપવાન પલટી જવાના બનાવને નબીપુર ગામે બન્યો હોવાનું જણાવી તથા લોકોએ ઈંડાની લૂંટ ચલાવી હોવાના ખોટા સમાચારો સોશ્યલ મીડિયા થ્રુ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરતા મોબાઈલિયા પત્રકારો સામે લોકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.
ને.હાં.નં.૪૮ ઉપર પાલેજ-ભરૂચ વચ્ચે નબીપુર ગામ પાસે ઈંડા ભરેલી પીકઅપવાન ટેમ્પોને અકસ્માત નડતાં લોકોએ ઈંડાની લૂંટ ચલાવતા ખોટા સમાચારો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા તથા અખબારોમાં પણ પ્રકાશિત થયા હતા.
જો કે આ બનાવ નબીપુર ગામે નહીં પણ અસુરિયા ગામ પાટિયા નજીક બન્યો હોવાનું નબીપુર ગામના લોકોએ જણાવ્યું હતું. જો કે આ ખોટા સમાચારો મંદબુદ્ધિ ધરાવતા મોબાઈલિયા પત્રકારોએ તોડી મરોડીને સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યા હતા. જો કે, વાયરલમાં ગ્રામજનોએ ઈંડાની લૂંટ ચલાવી ન હતી પરંતુ જે વેપારીનો માલ હતો તે ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. તેણે જોયું કે ઈંડા સર્વત્ર પથરાઈ ગયા છે. જેનું વહન કરી લઈ જઈ શકાય એમ ન હોઈ વેપારીએ યુક્તિ વાપરી નજીવી કિંમતે ઉપસ્થિત લોકોને ઈંડા લઈ જવા જણાવતા ગરીબ શ્રમજીવી આદિવાસી સમાજના રહીશોએ પોતાની યથાશક્તિ મુજબ ઈંડાની ખરીદી કરી લઈ ગયા હતા. આમ સોશ્યલ મીડિયા મારફત ખોટા સમાચારો પ્રકાશિત થતા લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને તથા સોશ્યલ મીડિયામાં પણ સક્રિય રહેતા લોકોએ આવા બનાવોની ખરાઈ કરવી જોઈએ.
અસુરિયા ગામના પાટિયા પાસે ઈંડા ભરેલ પીકઅપવાન પલટી ખાઈ ગઈ હતી

Recent Comments