હિંમતનગર,તા.રર
તલોદ તાલુકાના અહમદપુરા ગામના દલિત ખેડૂત ખાતેદારની જમીન કેટલાક ભૂમાફિયાઓએ પડાવી લેતા આ ખેડૂત પરિવારની આજીવિકા છીનવાઈ જતા તેમની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે આ દલિત ખેડૂતે જિલ્લા કલેકટર તથા પોલીસવડાની મુલાકાત લઈને એવી ચીમકી ઉચ્ચારી હતી કે તા.રપ ફેબ્રુઆરીથી પરિવાર સાથે ત્રણ દિવસના ઉપવાસ બાદ જો ન્યાય નહીં મળે તો તેઓ કલેકટર કચેરી સમક્ષ આત્મવિલોપન કરશે.આ અંગે અહમદપુરા ગામના ચંદુલાલ મોતીભાઈ નાડિયાના જણાવ્યા મુજબ તેમની કેટલીક જમીન આંત્રોલીવાસ દોલજીની સીમમાં આવેલી છે. પરંતુ તેમણે કરેલા આક્ષેપ મુજબ આ જમીન ભૂમાફિયાઓએ પોતાને નામે કરી દીધી હતી. જેથી ચંદુલાલ નાડિયાએ ન્યાય મેળવવા માટે અનેક કચેરીઓના પગથિયા ઘસી નાખ્યા છે. તેમ છતાં ન્યાય મળ્યો નથી. જેથી તેમણે ગુરૂવારે હિંમતનગર આવી જિલ્લા કલેકટર પી. સ્વરૂપ અને જિલ્લા પોલીસવડા સૌરભસીંગને મળી બંધ બારણે બેઠક કરી ચર્ચા કરી હતી. ત્યાર બાદ તેમણે એવી ચીમકી ઉચ્ચારી હતી કે જો ત્રણ દિવસના ઉપવાસ બાદ ન્યાય નહી મળે તો કલેકટર કચેરી સમક્ષ આત્મવિલોપન કરશે. તેવું જણાવતા વહીવટીતંત્ર દ્વારા આ કેસમાં તપાસનો દોર તેજ કરી દેવામાં આવ્યો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જણાવાયું છે. જિલ્લા કલેકટર પી. સ્વરૂપે જણાવ્યું હતું કે ચંદુભાઈ નાડિયાએ તેમની જમીનના પ્રશ્ને હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેમાં કોર્ટે ચંદુભાઈને નિયમ મુજબ સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું. તેમ છતાં ચંદુભાઈનો એવો આગ્ર છે કે પોલીસ ફરિયાદ દાખલ કરે જેથી જિલ્લાનું વહીવટીતંત્ર હાઈકોર્ટના આદેશની અવગણના કરી શકે નહીં તેમ સમજાવ્યું હતું છતાં તંત્ર કાયદાની મર્યાદામાં રહીને ચંદુભાઈને ન્યાય અપાવવા માટે પ્રયત્નશીલ છે.