અમદાવાદ, તા.૩૦
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયાગાંધીના રાજકીય સલાહકાર અને ખજાનચી અહમદભાઈ પટેલનું અવસાન થતા રાજ્યભરમાં પ્રાર્થના સભાઓ કુર્આનખ્વાનીના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેમાં રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ દ્વારા ખિરાજે અકીદત (શ્રદ્ધાંજલિ) પેશ કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના માજી મહામંત્રી અબ્દુલ ગફૂર શેખે અહમદભાઈના કાર્યોને બિરદાવી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તથા મર્હૂમે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા કરેલા પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. મર્હૂમની મગફિરત માટે તથા અલ્લાહત્આલા મર્હૂમના પરિવારજનોને સબ્રેજમીલ અતા ફરમાવે તેવી દુઆ કરી હતી જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના માઈનોરિટી ડિપાર્ટમેન્ટના માજી ચેરમેન હાજી નાથુભાઈ નાગોરીએ અહમદભાઈને રાજકારણના મહાન યોદ્ધા ગણાવ્યા હતા. તેમના જવાથી કોંગ્રેસનો એક ચિરાગ (દીપક) બુજાઈ ગયો છે. તેઓ નીડર, જાંબાજ, બાહોશ અને કોંગ્રેસના કરોડરજ્જૂ ગણાતા હતા. ગરીબ નવાજ ટ્રસ્ટની ગરીબ નવાજ હાઈસ્કૂલ બનાવવામાં તેમનો સિંહફાળો છે. અલ્લાહત્આલા મર્હૂમની મગફિરત ફરમાવે તથા તેમના પરિવારજનોને સબ્રે જમીલ અતા ફરમાવે તેવી દુઆ કરી હતી.
પીરામણ ખાતે યોજાયેલ શોકસભામાં બાલાશિનોર કોંગ્રેસના અગ્રણી કાર્યકર સમીરભાઈ શેખ તથા અન્ય સિનિયર આગેવાનો સાથે મર્હૂમ અહમદભાઈ પટેલના પરિવારજનોની મુલાકાત લીધી હતી. જેમાં અહમદભાઈનો પુત્ર ફૈસલ પટેલ, પુત્રી મુમતાજને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. તથા મર્હૂમની અલ્લાહત્આલા મગફિરત કરે તથા જન્નતુલ ફિરદૌશમાં આલા મકામ અતા ફરમાવે તેવી દુઆ કરી હતી.
Recent Comments