મુખ્યમંત્રી, રાજ્યપાલ અને ભાજપના પ્રમુખે અહમદ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી
અમદાવાદ, તા.રપ
ગુજરાતના પનોતા પુત્ર એવા રાજ્યસભાના સાસંદ અહમદ પટેલ જન્નતનશીન થતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના અગ્રણીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના પનોતા પુત્ર, વરિષ્ઠ રાજકીય અગ્રણી અને રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલના દુઃખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી સદ્દગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાજ્યપાલએ તેમના શોક સંદેશમાં જણાવ્યું છે કે, અહમદભાઈ પટેલે જાહેર જીવનમાં શ્રેષ્ઠ કાર્યો દ્વારા લોક હૃદયમાં આગવું સ્થાન અંકિત કર્યું હતું. તેમના નિધનથી જાહેર જીવનમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. રાજ્યપાલએ સદ્દગતના આત્માની શાશ્વત શાંતિ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અહમદ પટેલના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ અહમદ પટેલના નિધનથી ગુજરાતે જાહેરજીવનના એક મોતી ગુમાવ્યા છે તેવી લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટીના બેકબોન બનીને ખાસ કરીને સલાહકાર તરીકે તેમણે કોંગ્રેસની ગતિવિધિઓમાં રાષ્ટ્રીયસ્તરે મોટું યોગદાન આપેલું છે. સદગત અહમદભાઈના અવસાનથી ગુજરાતના જાહેરજીવનમાં એક સંનિષ્ઠ વ્યક્તિત્ત્વની ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીને પણ મોભી ખોટ પડી છે તેમ તેમણે શોકાંજલિ સંદેશમાં જણાવ્યું છે. મુખ્યમંત્રીએ અહમદ પટેલના આત્માની શાશ્વત શાંતિ માટે પરમાત્માને પ્રાર્થના કરવા સાથે આ દુઃખ સહન કરવાની તેમના પરિવારને ઈશ્વર શક્તિ આપે તેમ જણાવ્યું છે. ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલના આજરોજ થયેલા નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
Recent Comments