તેઓ કેવા રાજકરણી હતા ? મારે શું, હાં મનુષ્ય ખૂબ ભલા ભોળા અને દીનદાર હતા.
મતલબ પાકા ઈસ્લામી.
ત્યારે જ તો માસુમ મુરાદાબાદી કહે છે
“યે ૧૯૯૩ કા વાક્યા હે, રેડ ક્રોસ રોડ પર વાકે નઈ દિલ્લી કી જામા મસ્જિદ મેં જુમ્‌આ કી તૈયારી ચલ રહી હે. અચાનક વુઝુ કા પાની ખત્મ હો જાતા હે. લોગ વહાં લગે હુવે પુરાને હેંડ પમ્પ કી તરફ દોડતે હેં.. મેં ને દેખા કે એક શખ્સ મુસલસલ નલ ચલાયે જા રહા હેર લોગ વુઝુ કર રહે હેં. ચેહરા નયા થા ઈસ લીયે મેં પેહચાન નહીં સકા. કાફી લોગ વુઝુ કર ચુકે તો મેંને કહા કે અબ નલ મેં ચલાઉંગા, લેકીન વહ નહીં માને ઓર લોગો કો વુઝુ કરાતે રહે. બાદ કો માલુમ હુવા કે યે અહમદ પટેલ હેં ઓર કોંગ્રેસ કે સીટ પર પેહલી બાર એવાને બાલા કે લીયે ગુજરાત સે મુન્તખબ હોકર આયેં હેં.
મેં એક નહીં, દસ જબાનથી સાંભળ્યું છે તેઓ નમાઝમાં ઘણી જ પાબંદી દાખવતા,
અને એક નહી, અનેક મોંઢેથી સાંભળ્યું છે તેઓ કુર્આનની તિલાવત નિયમિતરૂપે કરતા,
એમની સખાવતની ખૂશ્બુ એમની કોમ સુરતી સુન્ની વહોરાના ૧૭૦ ગામડાંઓમાં જ નહી બલ્કે આખા દેશમાં પ્રસરી છે, વહોરા સમાજના તો ૧૭૦ બધા જ ગામો એમની સખાવત માટે માંગો એટલા ઉદાહરણ પૂરા પાડે. મારા ગામ દઢાલ ઈનામમાં હમણાં જ બનેલો કોમ્યુનિટી હૉલ તાજું અને જીવંત ઉદાહરણ છે.
તેઓ સુન્ની વહોરા કોમમાં એક માત્ર પાર્લામેન્ટના મેમ્બર થયા
જ્યારે કે ગઈ કાલે આ ક્ષેત્રમાં સામાન્ય રીતે વહોરા સમાજે સક્રિય ભાગ લીધો નથી, ભજવ્યો નથી કે રસ દાખવ્યો નથી.
એકલદોકલ વ્યક્તિઓ આ ક્ષેત્રમાં દાખલ થઈ હતી જેવા કે કોસંબાના મર્હૂમ દાતાર, મોટામિયાં માંગરોલના મર્હૂમ ગુલામ મોહમ્મદ સાલેહજી પટેલ, પીરામણના સુલેમાન ઉનિયા નવસારીથી ધારાસભ્ય થયા હતા, સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગના મર્હૂમ સુલેમાન નાના અને ડર્બનના એ.આઈ. કાઝી અને એમના થોડા સાથીદારોએ ખૂબ અગ્રગણ્ય અને નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો.
સાઉથ આફ્રિકામાં ડૉ.દાદુ ગુલામભાઈ પહાડ, (તેમના દીકરા મંડેલા પ્રધાન મંડળમાં પ્રધાન હતા.) અને તેમના થોડાક સાથીઓએ જોરદાર આંદોલનો કર્યા, ડર્બનમાં મી.એમ.મુલ્લા બિઝનેસ મેગન્ટ, શિક્ષણપ્રેમી અને મહાન મુત્સદી હતા.
આજે આ ક્ષેત્ર પહેલાં જેટલું જ અણખેડાયેલું છે. સમાજ આ રોગથી અળગો છે. છતાં એકલદોકલ વ્યક્તિઓ આ ગંદાગોબરા રાજકરણમાં મહોબતની મીઠાશ લઈ સક્રિય થયા, જેમા આપણા અહમદભાઈ પટેલનું નામ સોનેરી અક્ષરથી લખવા જેવું છે.
અહમદભાઈ પટેલ ભારત સરકારની રાજસભાના સભ્ય હતા.અગાઉ ત્રણવાર લોકસભામાં પણ સભ્ય તરીકે ચંટાયા હતા અને તે પછી અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના ખજાનચી તરીકે પણ સેવા આપી છે.
ખરેખર તો અહમદભાઈ પટેલ એમના વાલીદ સાહેબના અનુગામી થયા હતા, એમના વાલીદ એટલે ઈ.સ.૧૯૧૧માં જન્મેલા મુહંમદ ઈસ્હાકજી પટેલ.
ગુજરાતી પાંચ ધોરણ સુધી અભ્યાસ કરેલો, પરંતુ જીવનની સિધ્ધિઓ અને સેવાઓ જુઓ તો ભલભલાને પાછળ પાડી દે.
પીરામણ મંડળી અંકલેશ્વર તાલુકા પ.સે. યુનિયનના મુખ્ય પ્રમોટર અને સ્થાપક, અંકલેશ્વર તાલુકા સુપરવાઇઝીંગ યુનિયનના પ્રમુખ તથા ભરૂચ ડિ.સે.કો.ઓ.બેંકમાં ડાયરેક્ટર, ભરૂચ જિ.લોકલ બોર્ડના સભ્ય અને ભરૂચ જિલ્લા વિકાસ બોર્ડમાં સરકાર નિયુકત સભ્ય તરીકે રહી અનેક વિધ સહકારી ક્ષેત્રોમાં સેવા બજાવી હતી.
અહમદભાઈનો સંબંધ સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજથી હતો.
વહોરા એટલે દરેક ખતરાને વહોરી લેનાર, દુનિયામાં ખ્યાતિ પામેલ દરિયાખેડુ કોમ, પહેલી સદી હિજરી અથવા તે પહેલા અરબ દેશથી આવી ગુજરાતના દરિયા કાઠે વસેલી કોમ અને તેમના હાથ પર ઈસ્લામનો અંગીકાર કરનાર બ્રાહ્મણ, વાણિયા, રાજપૂત કે કોળી લોકો એટલે વહોરા, આ સમાજ નર્મદા નદીના દક્ષિણથી વાપી સુધીના વિસ્તારના લગભગ ૧૭૦ ગામમાં વસ્યો છે.આ ગામો પૈકીનું એક ગામ પીરામણ જ્યાં અહમદભાઈ અને એમના વાલીદ મુહંમદ ઈસ્હાકજી પટેલનો જન્મ થયેલો.
પીરામણ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું એક ગામ છે, ગામની દક્ષિણ પશ્ચિમે આમળા નામક એક ખાડી વહે છે, આ ગામ પ્રાચીન અને સૈકા જૂનું ગણાય છે, ગામની પૂર્વ દિશાએ ખોદકામ કરતાં જૂના અવશેષો મળે છે પરંતુ અફસોસ ગામનો મૂળ ઈતિહાસ ઉપલબ્ધ નથી, મોગલ શાસન દરમિયાન દિલ્હી- સુરતને જોડતો અહીં એક રાજમાર્ગ હતો, આજે પણ આ માર્ગે ઠેર-ઠેર કૂવાઓ અને જૂની વાવો જોવા મળે છે. ગામના સુલેમાન ઉનિયા નવસારી વિભાગમાંથી બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ વિધાનસભામાં ગયા હતા.
જ.અહમદભાઈ પટેલ આપણી (ધી સુરતી સુન્ની વહોરા મુસ્લિમ સોસાયટી)ની મેનેજિંગ કમિટીના સભ્ય રહ્યા છે અને એમના પિતાને પગલે સોસાયટી સાથે સારો ઘરોબો રાખ્યો છે. અતિવ્યસ્ત હોવા છતાં સોસાયટી માટે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે અવશ્ય હાજર રહ્યા છે. આપણા કોંઢના શૈક્ષણિક સંકુલને ખૂબ સહાય કરી છે.
ધી સુરતી સુન્ની વહોરા મુસ્લિમ મેનેજિંગ કમિટીના ૧૯૯૫થી ૧૯૯૭ સુધી સભ્ય રહ્યા.
આપનો જન્મ ૨૧-૮-૧૯૪૯ના થયો હતો. બી.એસ.સી.ની ડિગ્રી મેળવી જાહેર જીવનમાં ઝંપલાવ્યું. ઈ.સ.૧૯૭૭થી ઈ.સ.૧૯૭૯ સુધી અંકલેશ્વર તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર પદે રહ્યા. તે પછી તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહ્યા. ઈ.સ.૧૯૭૭માં પાર્લામેન્ટમાં ચૂંટાયા. ઈ.સ.૧૯૮૦માં બીજી વાર પાર્લામેન્ટમાં ગયા. પછીના વર્ષો રાજ્યસભાના સભ્ય પદે રહ્યા, અને અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના ખજાનચી તરીકેના હોદ્દા પર બીરાજમાન રહ્યા.
ખૂબ જ વિનમ્ર, વિવેકી, સૌજન્યશીલ અને ભાવનાને વરેલા હતા.તારીખ ૨૫/૧૧/૨૦૨૦ રાત્રીના ૩ વાગ્યે દિલ્હીની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જે બાદ તેમના નિધનના સમાચાર જાહેર કરાયા હતા.
અવસાન અને અશ્રુ એકમેકના અવિભાજ્ય અંગો છે. અવસાન કોઈનું પણ હોય, અશ્રુ ઉમટી આવે છે. એ સાચું કે આપણા અશ્રુથી મરનાર વ્યકિતને કશો લાભ થતો નથી, તે છતાં હૃદય છે અને હૃદય છે માટે અશ્રુ પણ છે, અવસાન વહાલાનું હોય તો માનવી શું પથ્થરો પણ રડ્યા વિના રહેતા નથી, અને આજે આપણે આ નજરે જોયું.
બાળકો માટે તેમના પિતાની છાયા હિંમતના પોષાક સમાન હોય છે, એ પોષાકમાં તેઓ નિશ્ચિત રહે છે, વાઘ જેવા વાઘનો ડર અનુભવતાં નથી, પણ એ છાયા સરકી જાય છે ત્યારે, બાળકોની દુનિયામાં કદાચ ભીરુતા સિવાય કંઈ રહેતું નથી.
આપણા વહોરા સમાજે (હું દેશ કે દેશના મુસ્લિમોની વાત નથી કરતો, નાનો માણસ છું નીચા સ્તર પર વાત કરૂં છું) આજે વાલી સમાન અહમદભાઈની ઘેઘૂર છાયા આપણે ગુમાવી છે, એવા અહમદભાઈ જેમની સિદ્ધાંતપ્રિયતા મતલબપરસ્તીના ચિંથરાં ઉડાવી દેતી હતી, દૂવા કરો અલ્લાહ અહમદભાઈને બક્ષે અને જન્નત આપે, રાજકારણમાં યતીમ થયેલા આપણા વહોરા સમાજની, દેશની સેવા કરનાર અહમદભાઈને અલ્લાહ ભરપૂર બદલો આપે. આમીન.
– અમ્માર અબ્દુલ હમીદ લીંબાડા નદવી