અંકલેશ્વર, તા.ર૬
“ગુજરાત ટુડે” દૈનિકને પ્રસિદ્ધ કરનાર તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક તથા આરોગ્ય સેવાઓમાં સંકળાયેલા અને સંસ્થા સાથે જીવનપર્યંત સંકળાયેલા સ્થાપક સભ્ય તથા ચેરમેન એવા હાજી અહમદભાઈ બોબાતે ૮૧ વર્ષની વયે વડોદરા ખાતે હૃદયરોગના હુમલાથી આ ફાની દુનિયાને સદાય માટે અલવિદા કરી હતી.
મર્હૂમ જન્નતનશીન થયા હોવાની વાત વાયુવેગે ફેલાતાં અનેક સામાજિક સંસ્થા તથા શૈક્ષણિક સંસ્થા અને આરોગ્ય સેવાઓમાં ટ્રસ્ટીઓ તથા સભ્યોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
અંકેલેશ્વર મુસ્લિમ બ્રધરહૂડ સંચાલિત ઝેનીથ હાઈસ્કૂલ તથા અમન બચત, સહકારી મંડળીના ટ્રસ્ટીઓએ ખિરાજે અકીદત પેશ કરતાં જણાવ્યું હતું કે, મર્હૂમ અહમદભાઈ બોબાત જીવનપર્યંત અમારી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા અને તેઓની દીર્ઘદૃષ્ટિ તથા આકરી મહેનત તથા તેઓની સક્રિયતાને આ સંસ્થાઓ શિખરો સર કરી વટવૃક્ષ બનીને સમાજમાં તરક્કીના સ્વરૂપમાં છાંયડો પ્રદાન કરી રહી છે.
યુનિટી ઈંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના જનરલ સેક્રેટરી હાજી જહાંગીર ખાં પઠાણે મર્હૂમ અહમદભાઈ બોબાત માટે જણાવ્યું હતું કે, અમારી સંસ્થામાં તેઓના માર્ગદર્શન અને અમારી સંસ્થામાં તન-મન અને ધનથી જોડાઈને આ સંસ્થાને આગળ લઈ જવા મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેઓના જન્નતનશીન થવાથી અમો એક મજબૂત સાથી ગુમાવ્યાનો અફસોસ છે.
હમદર્દ એજ્યુ. એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી હાજી સઈદભાઈ દરસોતે જણાવ્યું હતું કે, મર્હૂમ અહમદભાઈ બોબાતનું અમારી સંસ્થા માર્ગદર્શન તથા ઘણું જ યોગદાન હતું. જેઓની વસમી વિદાયથી અમારા હમદર્દ પરિવારને બેશક ન પુરાય તેવી ખોટ પડી છે. પરવરદિગાર તેઓને જન્નતનશીન કરે તથા તેઓની ખિદમતને કબૂલ કરે. આમીન.
અંકલેશ્વર સાર્વજનિક હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ.નાશીરઅલી ખોજાએ ખિરાજે અકીદત પેશ કરતા જણાવ્યું હતું કે, મર્હૂમ અહમદભાઈ બોબાત નખશીખ સેવાભાવી હતા. તેઓએ પોતાનું જીવન સમાજના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દીધું હતું. પરવરદિગાર તેઓને જન્નતમાં આલા મકામ ફરમાવે. આમીન.
સુરત કોસંબા સ્થિત સુરતી સુન્ની વ્હોરા મુસ્લિમ એજ્યુ. સોસાયટી તથા એ.વાય. દાદાભાઈ ટેકનિકલ ઈન્સ્ટીટ્યુટ, સાર્વજનિક કોલેજ ઓફ ફિઝિયાથેરાપી તથા હાજી એ.એમ. લોખાત તથા મુલ્લા સાર્વજનિક હોસ્પિટલ સુરતના જનરલ સેક્રેટરી જનાબ યુસુફભાઈ સાવાવાલાએ ખિરાજે અકીદત પેશ કરતા જણાવ્યું હતું કે, મર્હૂમ અહમદભાઈ બોબાત અંકલેશ્વર, સુરત, મુંબઈ તથા અમદાવાદ ખાતે સામાજિક શૈક્ષણિક તથા આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા હતા અને કેટલીયે સંસ્થાના મૂળ સ્થાપક હતા. તેઓ માટેની સંસ્થાઓને ખોટ કદીયે પુરાય નહીં. પરવરદિગાર તેઓને જન્નતુલ ફિરદોસમાં આલા મકામ અતા કરે અને તેઓએ ચિંધેલા સેવાના માર્ગે ચાલવાની સમાજને નેક તૌફિક અતા કરે. આમીન.
હાજી સઈદભાઈ શેખે ખિરાજે અકીદત પેશ કરતા જણાવ્યું હતું કે, મર્હૂમ અહમદભાઈ બોબાત અમારી સાથે હંમેશા સંસ્થાના વિકાસ તથા વહીવટી સૂઝબૂઝ ધરાવતા હતા તથા તેઓ દ્વારા સ્થપાયેલી સંસ્થાઓ સમાજને તરક્કીના સ્વરૂપમાં છાંયડો પ્રદાન કરી રહી છે. પરવરદિગાર મર્હૂમની મગફિરત ફરમાવીને જન્નતમાં આલા મકામ અતા કરે. તથા તેઓના કુટુંબીજનોને સબ્રે જમીલ અતા કરે. આમીન.
મોઈનુદ્દીનભાઈ શેખે ખિરાજે અકીદત પેશ કરતા જણાવ્યું હતું કે, પરવરદિગાર મર્હૂમની મગફિરત ફરમાવે તથા તેઓના કુટુંબીજનોને સબ્રે જમીલ અતા કરે. આમીન.
Recent Comments