અમદાવાદના આસ્ટોડિયા દરવાજા સામે આવેલા જૂના એસટી બસ સ્ટેશનની જગ્યાએ નવું બસ મથક બની રહ્યું છે. આ બસ મથક નવું બનાવવા તોડફોડની કામગીરી શરૂ કરી, ત્યારે હેરિટેજ દરવાજાને તોડવાનો વિવાદ સર્જાયો હતો. આ કામ આગળ શરૂ કરાયું અને ખોદકામ ચાલી રહ્યું છે, તે દરમિયાન એક સુરંગ જેવું દેખાઈ આવતા તેને જોવા લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. આ સુરંગમાં ઊતરવાના પગથિયા અને સળંગ કમાનો જોવા મળે છે. આથી સલ્તનતકાળમાં દુશ્મનોથી બચવા આ ગુપ્ત રસ્તો બનાવાયો હોય તેમ મનાઈ રહ્યું છે. કારણ કે, અહમદાબાદ શહેરની સ્થાપના થઈ ત્યારથી અનેક સુલતાનો અને બાદશાહોએ શાસન કર્યું હતું. આ સમય દરમિયાન અનેક મસ્જિદો, બાગ-બગીચા, દરવાજા, મહેલો, વાવ, સુરંગો બનાવવામાં આવ્યા હતા. આથી ખોદકામ દરમિયાન આવા બાંધકામો મળવા નવી વાત નથી. પરંતુ આ બાંધકામ ક્યાં સમયનું અને ક્યાં પ્રકારનું છે ? તે પુરાતત્ત્વ વિભાગનો સંશોધનનો વિષય છે.