કોંગ્રેસ દ્વારા મર્હૂમ અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, તા.૫
અખિલ ભારતીય કોંગ્રેસના ખજાનચી, રાજ્યસભાના સાંસદ મર્હૂમ અહમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર સ્મારક ભવન, શાહીબાગ, અમદાવાદ ખાતે આજરોજ યોજાયો હતો. જેમાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી અહમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની કામગીરીને બિરદાવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં એ.આઈ.સી.સી.ના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, નેતા પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ, શંકરસિંહ વાઘેલા, સાંસદ અને રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી, મધુસુદન મિસ્ત્રી, સહિત સામાજિક, રાજકીય વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ધારાસભ્યો ઉપસ્થિત રહી શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકરો વગેરેનો અહમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આભાર માન્યો હતો અને મર્હૂમ અહમદભાઈ પટેલના પ્રેમ, હૂંફ, નાનામાં નાની વ્યક્તિઓને મદદ કરવાના માનવીય અભિગમને શક્ય બને તે રીતે આગળ વધારશે તે વાત કરીને અતિ ભાવુક થયા હતા. અમિત ચાવડાએ અહમદભાઈ પટેલ સૌના માટે પથદર્શક, માર્ગદર્શક હોવાનું જણાવી તેમની કામગીરીને યાદ કરી હતી. સાંસદ પરિમલ નથવાણીએ કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જણાવ્યુ હતું કે, ૩૫ વર્ષથી અહમદ પટેલ સાથે મારે સારા સંબંધ હતા. અહમદ પટેલના નિધનથી માત્ર કોંગ્રેસને જ નહીં રાજ્યને મોટું નુકસાન છે. હું રિલાયન્સમાં ન હતો ત્યારથી તેમને ઓળખતો હતો અને તેમની સાથે સારા સંબંધ હતા. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહ્યું હતુ કે હું કોંગ્રેસના નેતા અને ગુજરાત લોકોનો આભારી છુ કે આ સમયમાં લોકોનો સાથ સહકાર મળ્યો છે. આજે પણ વિશ્વાસ થતો નથી કે અહમદ પટેલ આપણી વચ્ચે નથી. અહમદ પટેલ એવું ક્યારે ન હતા ઇચ્છતા કે હું અને મારી બહેન રાજકારણમાં સક્રિય ભાગ લઇએ. છેલ્લા એક અઠવાડિયાથી લોકોને મળીને અહમદ પટેલની વિરાસત અંગે જાણ્યું છે. સમાજ અને ગરીબો માટે કામ કરી તેની વિરાસતને આગળ ધપાવવાની છે. તેઓએ ક્યારેય ધારાસભ્ય સાંસદ કે મંત્રી પદની આશા રાખી નથી.