રાહુલ ગાંધી આજે અહમદ પટેેલના જનાઝામાં સામેલ થવા ગુજરાત આવશે

એક અનુભવી સાથી જેમની પાસેથી હું હંમેશા સલાહ લેતી હતી : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના પીઢ નેતા અહમદ પટેલના નિધનની જાણકારી મળતા કેન્દ્રીય મોવળી મંડળ અને દેશભરના નેતાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અહમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ દ્વારા નિધનના સમાચાર અપાયા બાદ તેમને સંબોધીને લખ્યું હતું કે, તમારા પિતાના અચાનક નિધનથી દુઃખી છું. અમે એવા નેતા ગુમાવ્યા છે તેમણે સમગ્ર જીવન કોંગ્રેસને સમર્પિત કર્યું હતું. અહમદ પટેલજી જાહેર જીવનમાં હિંમતવાન અને નિષ્ઠાવાન હતા. કોંગ્રેસના કપરાસમયમાં પણ તેઓ હંમેશા પાર્ટી સાથે ઉભા રહ્યા. હું તેમની બુદ્ધિમત્તા, જ્ઞાન અને કોંગ્રેસ પાર્ટી પ્રત્યે કટિબદ્ધતાને હંમેશા યાદ રાખીશ. તેઓ હજુ પણ અમને તથા દરેક કોંગ્રેસી કાર્યકરને રાહ ચીંધતા રહેશે. આ કપરા સમયમાં મારી સંવેદના, દુઆઓ અને પ્રેમ તમારા પરિવાર સાથે છે. દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, અહમદ પટેલ જી માત્ર બુદ્ધિમાન નેતા જ નહીં પરંતુ અનુભવી સાથી પણ હતા જેમની પાસેથી હું હંમેશા સલાહ લેતી હતી. તેઓ એવા મિત્ર હતા જે હંમેશા બધાને વિશ્વાસ અપાવતા હતા. તેમના નિધનથી એક મોટું શૂન્ય ઉદભવ્યું છે. આ દરમિયાન કોંગ્રેસે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અહમદ પટેલના જનાઝામાં સામેલ થવા માટે ગુરૂવારે ગુજરાત આવશે.