(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૯
આશરે ૧૦૦ વર્ષ પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ પાસે આવેલી જગ્યા પર ચંપલ બનાવનાર ચમાર સમુદાયના ૫ પરિવારને રહેવા માટે જમીન આપ્યા બાદ વર્ષો પછી ટ્રસ્ટ દ્વારા ત્યાં રહેતા લોકોને ઘર ખાલી કરાવવાના આદેશ સામે ગુરૂવારે હાઈકોર્ટના જસ્ટીસ જી.આર. ઉદ્ઘવાનીએ હાલ પુરતો સ્ટે આપ્યો છે. હાઈકોર્ટે સ્ટે આપતા અવલોકન કર્યું છે કે નીચલી કોર્ટે ચુકાદો આપતી વખતે લિમિટેન એક્ટને ધ્યાનમાં લીધું નથી. કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજીને પણ માન્ય રાખી છે.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે પક્ષકાર જણાવે કે નહિ પરતું મકાન-માલિક અને ભાડવાત વચ્ચેના લાંબાગાળાના મિલ્કત સંબંધી કેસમાં નીચલી કોર્ટે લિમિટેશન એક્ટને ધ્યાનમાં રાખવું જોઈએ. લિમિટેશન એક્ટની સેક્શન ૬૫ પ્રમાણે કોઈપણ મકાન માલિક ભાડવાતને મકાન ખાલી કરાવવા બાબતે ૧૨ વર્ષ સુધીમાં નોટીસ કે લીગલ કાર્યવાહી કરી શકે, જો ત્યાર પછી નોટીસ કે લીગલ કાર્યવાહી કરવામાં આવે ત્યારે લિમિટેશન એક્ટની કલમ લાગુ પડે છે.
ગાંધીજીના મૃત્યુ બાદ ગાંધી આશ્રમના ટ્રસ્ટના તાબા હેઠળ આવેલા સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા પાંચેય પરિવારના સભ્યોને મકાન ખાલી કરાવવા બાબતે વર્ષ ૧૯૯૮માં અમદાવાદ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે મુદ્દે હાલ એ જગ્યા પર રહેતા પાંચેય પરિવારના વંશજો ક્યારે રહેવા આવ્યા અને કોઈ ભાડા કરાર હતો કે કેમ વગેરે બાબતોની વિગતો જણાઈ ના શકતા ફેબ્રુઆરી ૨૦૧૯માં કોર્ટે ટ્રસ્ટના પક્ષમાં ચુકાદો આપતા તમામ પાંચેય પરિવારમાં રહેતા ૩૦ લોકોને ઘર ખાલી કરવાનો આદેશ કર્યો હતો. નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો જેના પર કોર્ટે હાલ સ્ટે આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ૧૯૬૭માં ટ્રસ્ટે નુકસાનનું કારણ આપી ચંપલ બનાવવાનું કામ બંધ કરાવ્યા બાદ પહેલીવાર વર્ષ ૧૯૭૮માં વિવાદાસ્પદ જગ્યા પર ઘર ખાલી કરાવવા બાબતે સ્મોલ કોઝ કોર્ટમાં કેસ કર્યો. જોકે ટ્રસ્ટ કેસ હારી જતાં ૧૯૯૮માં ચુકાદાને સિવિલ કોર્ટ સમક્ષ પડકારયો હતો. એટલું જ નહિ સાબરમતી ગૌશાળા ટ્રસ્ટે ત્યાં રહેતા લોકો પાસેથી મહિને ૩૦૦ રૂપિયા પેટે વળતર મેળવવાની માંગ કરી હતી. જોકે આજ દિવસ સુધી ચુકવવામાં આવ્યું નથી.