(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૧
આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા સિટી સિવિલ કોર્ટમાં આશ્રમ રોડ પરના સાબરમતી આશ્રમમાં વર્ષોથી નિવાસ કરી રહેલા બાબુભાઇ થોસાર વિરૂદ્ધ આશ્રમ પરિસર ખાલી કરાવવાની માંગ કરતી યાચીકા ૧૯૯૮માં દાખલ કરવામાં આવી હતી. જે સિટી સિવિલ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવી હતી. ગત ફેબ્રુઆરીમાં સિટી સિવિલ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, આશ્રમ પરિસર પોશ વિસ્તારમાં આવેલ હોઈ તથા આ પરિસરમાં દેશ આવે વિદેશના લોકોની આવજા હોઈ કોઇપણ પરિવારને આ વિસ્તાર છોડીને જવાનું પસંદ ન કરે, પણ પરિવારે માલિકી હક્કને લગતા કોઈ દસ્તાવેજ રજૂ નથી કરી શક્યું માટે તેમણે આ જગ્યા ખાલી કરી દેવી જોઈએ.
સિટી સિવિલ કોર્ટમાં આ કેસની સુનાવણી સમયે આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા પુરાવાઓમાં જણાવવામાં આવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ ચામડાના સેન્ડલ તથા ચપ્પલ બનાવવા માટે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાંથી કારીગરોને પરિવાર સાથે લાવી સાબરમતી તથા વર્ધમાન આશ્રમમાં વસવાટ કરાવ્યો હતો. થોસાર પરિવાર સિવાય બીજા ૪ પરિવારને અહીં વસાવવામાં આવ્યા હતા.
૧૯૬૯માં વર્કશોપ બંધ કરવા માટે તમામ કારીગર પરિવારોને અહીંથી મોકલી દેવામાં આવ્યા હતા. થોસાર પરિવાર હાલમાં આશ્રમ પરિસરમાં જ વસવાટ કરે છે.
ગત ફેબ્રુઆરીમાં સિટી સિવિલ કોર્ટ દ્વારા બાબુભાઈના પૌત્ર અને વહુને આશ્રમ પરિસરમાં બનેલ મકાન ખાલી કરી ટ્રસ્ટને સુપ્રત કરી દેવા આદેશ કરવામાં આવ્યો હતો જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.