(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૩
પરપ્રાંતિયોના સ્થળાંતર અને રોજગારીનો મુદ્દો જ્યારે ઉકળતા ચરૂએ છે ત્યારે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે ૧૪૦ જેટલા પાનાંનો રિપોર્ટ રજૂ કર્યો છે જે પ્રમાણે રાજ્યના સરકારી ચોપડે માત્ર ૭૫૧૨ પરપ્રાંતિય શ્રમિકો નોંધાયેલા છે.
કોરોના કાળમાં શ્રમિકોના મુદ્દે હાઇકોર્ટમાં મોટો ખુલાસો થયો છે. પરપ્રાંતિયોના સ્થળાંતર અને રોજગારનો મુદ્દો જ્યારે ઉકળતા ચરૂએ છે ત્યારે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે ૧૪૦ જેટલા પાનાંનો રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં આ ઘટસ્ફોટ થયો છે. ૨૨.૫ લાખ જેટલા શ્રમિકો રાજ્યમાં હોવાનું રાજ્ય સરકાર અગાઉ દાવો કરી ચૂકી છે. ત્યારે સામે સરકારી ચોપડે માત્ર ૭૫૧૨ જ નોંધાયેલા શ્રમિકો હોવાનુ હાઇકોર્ટમાં સામે આવ્યું છે. જે અંતર્ગત બાકીના શ્રમિકોને મોટું નુકસાન થઈ શકે છે. સરકારના મતે માત્ર નોંધાયેલા શ્રમિકો માટે જ માઈગ્રન્ટ વર્કર્સ એક્ટ પ્રમાણે પેમેન્ટ કરવાની જવાબદારી સરકારની હોય છે બાકીનાની નહીં.
બીજી તરફ અત્યાર સુધીમાં ૮ લાખથી વધુ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતનમાં પરત મોકલી ચૂકી હોવાનો સરકાર પ્રેસનોટ થકી પણ દાવો કરી ચૂકી છે. શ્રમીકોને એસ.ટી.બસમાં તેમના વતન પરત મોકલવા એ વ્યવહારુ ઉકેલ નહીં હોવાની સરકારની રજૂઆત હતી. શ્રમિકોને તેમના વતન પરત મોકલવા માટે રેલવે જ સારો વિકલ્પ આપવાનો પણ રાજ્ય સરકારે કોર્ટમાં દાવો કર્યો છે.
તો સમગ્ર કેસ માં કોર્ટે કહ્યું હતું કે, શ્રમિકોને એમના વતન પહોંચાડવા માટે સરકાર જરૂરી પગલાં લે ઉપરાંત અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં માઈગ્રન્ટ વર્કર, કોરોના વોરિયર્સ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે લેવાતા પગલા મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી .ઉપરાંત આ કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કરેલી અરજીમાં બહારના શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા ૮૫૦૦ એસ.ટી. બસો દોડાવવા પણ માંગ કરવામાં આવી હતી.