(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૩
આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકાનાં અંબાલી ગામની સીમમાં ભાથીપુરા વીસ્તારમાં ઘર સામે આવેલાં રસ્તા બાબતના ઝઘડાની અદાવત રાખી છ સખ્સોએ ઘર પાસે સુઈ રહેલી મહિલા પર કેરોસીન રેડી દિવાળી ચાંપી જીવતી સળગાવી હત્યાનો પ્રયાસ કરતાં ગંભીર પણે દાજી ગયેલી મહિલાને ત્વરીત સારવાર માટે હોસ્પીટલમાં ખસેવામાં આવી છે.
મળતી વીગતો અનુસાર અંબાલી ગામની ભાથીપુરા સીમમાં નીશાળ સામે રહેતાં કોકીલાબેન કનુભાઈ પઢીયારને પોતાના ઘરની સામે આવેલા રસ્તા બાબતે નજીકમાં રહેતાં મનુભાઈ ફતાભાઈ પઢીયારની સાથે વીવાદ ચાલતો હતો અને અવાર નવાર ઝઘડાઓ થતાં હતાં. બપોરના સુમારે કોકીલાબેન પોતાના ઘરની પાસે સુઈ રહ્યાં હતાં ત્યારે મનુભાઈ પઢીયાર સહીત છ જણાંએ રસ્તા બાબતનાં ઝઘડાની અદાવત રાખી કોકીલાબેનના ઘર પાસે આવી સુઈ રહેલાં કોકીલાબેન પર કેરોસીન રેડી દીવાળી ચાંપી હત્યા કરવાના ઈરાદે જીવતા સળગાવી મુકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને ગંભીર પણે દાઝી ગયેલાં કોકીલાબેનને ત્વરીત સારવાર માટે હોસ્પીટલમાં ખસેડયાં હતાં. જે બનાવ અંગે આંકલાવ પોલીસે કોકીલાબેન કનુભાઈ પઢીયારની ફરીયાદના આધારે મનુભાઈ ફતાભાઈ પઢીયાર, રંજનબેન મનુભાઈ પઢીયાર, લાલાભાઈ પઢીયાર, લીલાબેન રમણભાઈ પઢીયાર, પુનીબેન ટીકાભાઈ પઢીયાર, બાલાભાઈ પરબતભાઈ પઢીયાર તમામ રહે. અંબાલી ભાથીપુરા વીરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.