(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.ર૭
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષપદે આંકલાવનાં ધારાસભ્ય અમિત ચાવડાની નિમણુંક થતા આણંદ જિલ્લાનાં કોંગ્રેસનાં કાર્યકરોમાં આનંદનું મોજુ પ્રસરી જવા પામ્યું હતું અને આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતી ખાતે કોંગ્રેસનાં કાર્યકરોએ દારૂખાનું ફોડીને તેમજ અમીત ચાવડા આગે બઢો હમ તુમ્હારે સાથ હે અને કોંગ્રેસ આવે છેનાં નારાઓ લગાવ્યા હતા,પાયાનાં કાર્યકરો સાથે સીધો સંપર્ક ધરાવતા અમીત ચાવડાની અધ્યક્ષપદે નિમણુંક થતા જ કોંગ્રેસનાં કાર્યકરોમાં એક નવા ઉત્સાહનો સંચાર થયો છે.
આંકલાવનાં ધારાસભ્ય અમીત ચાવડાની પ્રદેસ અધ્યક્ષપદે નિમણુંકનાં સમાચાર વહેતા થતા જ આણંદ જિલ્લાનાં કાર્યકરોમાં ઉત્સાહ પ્રસરી જવા પામ્યો હતો,અને કાર્યકરો આણંદ શહેરમાં આવેલી કોંગ્રેસ સમિતી ખાતે એકત્ર થયા હતા,જયાં આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢીયાર,આણંદ નગરપાલિકાનાં વિપક્ષનાં દંડક કેતન બારોટ,મહિલા અગ્રણી ઈશ્વરીબેન શર્મા,કાઉન્સીલર સલીમશા દિવાન,લાંભવેલનાં સરપંચ મહેશ રાઠોડ સહીત કાર્યકરોએ ફટાકડા ફોડી અમીત ચાવડા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે અને કોંગ્રેસ આવે છેનાં નારાઓ લગાવ્યા હતા.
આ પ્રસંગે અલ્પેશ પઢીયારએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પ્રાપ્ત કરનારા યુવા ધારાસભ્ય અમીત ચાવડાની પ્રદેશ અધ્યક્ષપદે નિમણુંક થતા યુવા કાર્યકરોએ તેને વધાવી લીધી છે,અને કાર્યકરોમાં એક ઉત્સાહનો સંચાર થયો છે.
આણંદનાં મુસ્લિમ અગ્રણી એમ જી ગુજરાતીએ પણ અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુકતી કરતા અભિનંદન પાઠવ્યા હતા. લોકસભામાં ચુંટાતા ભરતસિંહ સોલંકીએ વિધાનસભામાંથી રાજીનામું મુકતા યોજાયેલી પેટા ચુંટણીમાં અમિતભાઈ ચાવડા ચુંટાઈ આવ્યા હતા અને સૌથી નાની વયનાં ધારાસભ્ય બન્યા હતા.અને ત્યારબાદ ૨૦૦૭ની ચુંટણીમાં પણ બોરસદ બેઠક પર તેઓ ચુંટાઈ આવ્યા હતા,વર્ષ ૨૦૧૨માં નવા સિમાંકન મુજબ આંકલાવ બેઠક અસ્તિત્વમાં આવતા તેઓ આ બેઠક પરથી ચુંટણી લડયા હતા અને સૌથી વધુ લીડથી ચુંટાઈ આવ્યા હતા.અને ત્યારબાદ તેઓ વર્ષ ૨૦૧૭માં પણ ચુંટાઈ આવ્યા હતા.