(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૭
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આંકલાવના યુવા ધારાસભ્ય અમિત ચાવડાની વરણી કરવામાં આવી છે. વર્તમાન પ્રમુખ ભરતસિંહ સોલંકીના સ્થાને અમિત ચાવડાની વરણી કરવામાં આવી છે. સંગઠનમાં યુવાઓને તક આપવાના રાહુલ ગાંધીએ સ્વપ્નને તેમણે આ નિમણૂકથી સાકાર કરી બતાવ્યું છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ધારાસભ્ય અમિત ચાવડાની ભરતસિંહ સોલંકીના સ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે વરણી કરી છે. રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીએ અત્યાર સુધી આપેલી સેવાઓને બિરદાવી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદનો તાજ ગ્રહણ કર્યા બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમે આગામી દિવસોમાં પ્રજાના પ્રશ્નોને મજબૂત રીતે વાચા આપીશું. ઉપરાંત કોંગ્રેસ પક્ષના સંગઠનમાં પણ મોટાપાયે ફેરફારો કરવામાં આવશે. પ્રમુખ તરીકે જવાબદારી સોંપી હાઈકમાન્ડે મારી પર જે વિશ્વાસ મુકયો છે તેને હું સાર્થક કરવાનો પ્રયાસ કરીશ. પાટીદાર અનામત અંગે નવા પ્રમુખે જણાવ્યું હતું કે બિનઅનામત વર્ગને ર૦ ટકા અનામત મળવી જોઈએ. એ મુદ્દે કોંગ્રેસ મક્કમ છે અમે વિધાનસભામાં પણ ખાનગી બિલ લઈને આવ્યા છીએ અને એ માટે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.