(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૯
આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકાના ઉમેટા ગામની સીમમાં ગત શુક્રવારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીગ સેલની ટીમએ છાપો મારી ૧૩ લાખનાં વિદેશી દારૂ સાથે મળી ૪૩.૭૮ લાખનો મુદૃામાલ કબ્જે કર્યો હતો. આ બનાવમાં આંકલાવ પોલીસ ઊંઘતી ઝડપાતા રાજયનાં પોલીસ વડા દ્વારા વિદેશી દારૂનાં બનાવોમાં બેદરકારી દાખવનાર આંકલાવ પોલીસ મથકનાં પીએસઆઈ ડી કે રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, તેઓ સસ્પેન્ડ થયા તેના બે દિવસ બાદ તેમનો બોલિવૂડના હિન્દી મુવી ‘રાઉડી રાઠોડ’ ના એક ડાયલોગ સાથેનો ટીકટોક પર બનાવેલો વિડિયો વાઈરલ થતા ચકચાર મચી જવા પામી છે,ત્યારે ટીકટોક પર વિડીયો મુકનાર સસ્પેન્ડેડ પીએસઆઈ સામે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ શું પગલા ભરે છે ? તેનાં પર આંકલાવ પંથકની પ્રજાની નજર મંડાઈ છે.
આંકલાવનાં સસ્પેન્ડેડ પીએસઆઈ ડી કે રાઠોડનાં આ ટીક ટોક વિડીયોમાં તેઓ વિડીયોનાં પ્રારંભમાં કાળા ચશ્મા સાથે પોલીસ વર્દીમાં દેખાઈ રહ્યા છે. તેઓનાં ત્રણથી ચાર ફોટા સાથેનાં નવ સેકન્ડનાં આ ટીકટોક વિડીયોમાં બોલીવુડની જાણીતી ફિલ્મ રાઉડી રાઠોડમાં પોલીસ અધિકારીનું પાત્ર ભજવતા અક્ષયકુમારનાં રાઉડી રાઠોડનાં ડાયલોગને મીકસીંગ કરવામાં આવ્યો છે.
આ વિડીયોમાં ડી કે રાઠોડનાં પોલીસની વર્દીમાં ફોટાઓ જોડવામાં આવ્યા છે,તેમજ એક ફોટામાં તેઓ લાલ કલરનું શર્ટ પહેરીને મુછો પર હાથ ફેરવતો ફોટો દેખાય છે,અને બેકગ્રાઉન્ડમાં રાઉડી રાઠોડ ફિલ્મનો ડાયલોગ કે જેમાં જીસને ભી યે સોચા કરી મે ડર ગયા વો સાલા અર્થી પે અપને ઘર ગયા.. રાઠોડ..સંભળાઈ રહ્યો છે.